T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ 2024 નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.
ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ 1લી જૂનથી શરૂ થઈ રહી છે. આ વખતે T20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. ટીમ ઈન્ડિયાએ અમેરિકાના ન્યૂયોર્ક પહોંચ્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં, IPL 2024નું સમાપન થયું છે, જેમાં ટાઇટલ વિજેતા KKR અને રનર અપ હૈદરાબાદને કરોડો રૂપિયાની ઇનામી રકમ મળી છે. તો, ટી-20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતનાર અને રનર્સ-અપ ટીમને કેટલી ઈનામી રકમ મળશે?
T20 World Cup 2024 Prize Money
જોકે, 2024 વર્લ્ડ કપ માટેની ઈનામી રકમ હજુ સુધી ICC દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. પરંતુ જો ઈનામની રકમ અગાઉના 2022 T20 વર્લ્ડ કપની જેમ આપવામાં આવે છે, તો ચાલો જાણીએ કે કઈ ટીમને કેટલી રકમ મળશે.
ICCએ 2022 T20 વર્લ્ડ કપ માટે કુલ ઈનામની રકમ US $ 5.6 મિલિયન રાખી હતી, જે ભારતીય રૂપિયામાં અંદાજે 46.6 કરોડ રૂપિયા છે. જોકે ગત આવૃત્તિમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ આ વખતે કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. 2022માં ટાઈટલ જીતનાર ઈંગ્લેન્ડને લગભગ 13 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે રનર અપ રહેનાર પાકિસ્તાનને 6.44 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
વિજેતા અને ઉપવિજેતા ઉપરાંત ટોપ-4માં પહોંચેલી ટીમોને પણ કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. બંને ટીમોને 3.25 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય સુપર 12 અને સુપર 8માં પહોંચેલી ટીમોને પણ ઈનામી રકમ મળી હતી.
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં હારી ગઈ.
તમને જણાવી દઈએ કે 2022 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જ્યારે ભારતને સેમીફાઈનલમાં હારીને બહાર થવું પડ્યું હતું. ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે કારમી હાર આપી હતી.