Paris Olympics 2024: તાલિબાન સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી અફઘાનિસ્તાનની મહિલા ખેલાડીઓને માન્યતા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
જ્યારથી અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાનનું શાસન શરૂ થયું છે ત્યારથી મહિલાઓના અધિકારો સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. આગામી પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાનના 6 એથ્લેટ ભાગ લેશે, જેમાં 3 મહિલા અને 3 પુરૂષો છે. હવે તાલિબાન સરકારે ઓલિમ્પિકમાં ભાગ લેનારી 3 અફઘાન મહિલા ખેલાડીઓને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનું કારણ જાણીને કોઈને પણ આશ્ચર્ય થશે.
અફઘાનિસ્તાનના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે
અફઘાનિસ્તાનના માત્ર 3 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેશે. હાલમાં, અફઘાનિસ્તાનમાં મહિલાઓને રમતગમતમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. જ્યારે છોકરીઓ રમી શકતી નથી તો તેઓ રાષ્ટ્રીય ટીમમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકે. અમે ઓલિમ્પિકમાં ભાગ લેનાર માત્ર 3 પુરૂષ ખેલાડીઓની જવાબદારી લેવા તૈયાર છીએ, જેમની તાલીમ અને શિષ્યવૃત્તિનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
મહિલાઓ માટે સ્થિતિ સારી નથી
અફઘાનિસ્તાનમાં રમતવીરોની સ્થિતિ સારી નથી અને ખાસ કરીને મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ છે. પેરિસ ઓલિમ્પિકમાં અફઘાનિસ્તાનના છ એથ્લેટ ભાગ લેવા જઈ રહ્યા છે, જેમાંથી ત્રણ મહિલા અને બે પુરૂષ એથ્લેટ અફઘાનિસ્તાન બહાર રહે છે. અફઘાનિસ્તાનમાં રહેનાર એકમાત્ર એથ્લેટ જુડો રમતવીર છે અને બાકીના બે પુરૂષો એથ્લેટિક્સ અને સ્વિમિંગમાં ભાગ લેશે. જ્યારે મહિલા ખેલાડીઓ એથ્લેટિક્સ અને સાયકલીંગમાં ભાગ લેશે.
તાલિબાનની આ કાર્યવાહી પર નિવેદન આપતાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ કહ્યું છે કે અફઘાનિસ્તાનના 6 ખેલાડીઓને આમંત્રણ આપતા પહેલા તેઓએ ન તો કોઈ તાલિબાન અધિકારીની સલાહ લીધી અને ન તો તેમને ઓલિમ્પિક ગેમ્સ માટે આમંત્રણ આપ્યું. તાલિબાન સરકાર હેઠળ મહિલાઓને શાળા અને યુનિવર્સિટીમાં જવાની પણ મંજૂરી નથી.