કુંવરજી બાવળીયાને લઈ ગતરોજ ગાંધીનગરમાં ભારે કમઠાણ ચાલ્યું અને સાંજ થતાં સુધીમાં કુંવરજીએ તેનો ખુલાસો કરવાની ફરજ પડી. કશુંક તો એવું બની રહ્યું છે ભાજપમાં કે કુંવરજીની ફરતે સમાચાર માધ્યમોનું કુંડાળું રચાયું હતું.
પ્રથમ વાત પીએમ મોદીએ કુંવરજીને રાતોરાત દિલ્હી બોલાવ્યા અને જીત બદલ શૂભેચ્છા આપી. પીએમ મોદી દ્વારા કુંવરજીને જસદણની જીત બદલ જો શૂભેચ્છા જ આપવાની હોય તો તેઓ ફોન અને ટવિટ કે ફેસબુક પર પણ આપી શક્યા હોત અને તેઓ આવી રીતે અનેકને શૂભેચ્છા આપતા આવ્યા છે, પરંતુ પીએમ મોદીએ કુંવરજીને ખાસ રીતે દિલ્હી બોલાવ્યા અને તેનો ફોટો પણ ટવિટર પર શેર કરી સંકેત આપ્યો હતો કે કુંવરજી ખાસ સ્થાન ધરાવતા થઈ ગયા છે. પીએમ મોદીને કોળી સમાજની કોરી સ્લેટ જેવી વોટ બેન્કને ભાજપ તરફ પાછી વાળવી છે.
ગુજરાત જ નહીં પણ દેશભરના પાંચ રાજ્યોમાં કોળી-કુર્મી વોટ લોકસભાની ચૂંટણી માટે ભારે અસરકારક બની રહે તેમ છે. સીધી ગણતરી છે કે કોળી સમાજને સાથે રાખવા માટે ગુજરાતનાં મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજીને ભાજપ અને ગુજરાત સરકારમાં પ્રમોશન આપવામા આવે અને તેમને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ માટે મેદાનમાં ઉતારવામાં આવે. પીએમ મોદીની કુંવરજી અંગે સીધીને સટ ગણતરી હોવાનું માની શકાય છે.
ગઈકાલે ગાંધીનગર સચિવાલયમાં ચર્ચા(અફવા નહીં)એ જોર પકડ્યું હતું કે કુંવરજી ડેપ્યુટી સીએમ બની રહ્યા છે અને નીતિન પટેલને અન્ય રીતે સન્માનજનક પદ આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. વાતોની વાતીયું વધી અને કુંવરજીએ મીડિયા સમક્ષ ખુલાસો કરવો પડ્યો કે ડે.સીએમની વાતમાં તથ્ય નથી. કુંવરજીએ સુદ્વાં વાતને અફવા ગણાવી. પરંતુ આટલેથી વાત પતી જતી હોય એવું લાગી રહ્યું નથી.
સૂત્રો પ્રમાણે કુંવરજીને ડેપ્યુટી સીએમ બનાવવા માટે માહોલ બાંધવાનું કામ ધારાસભ્ય કીરીટ પટેલને સોંપવામાં આવ્યું હતું. ધારાસભ્ય કીરીટ પટેલ દ્વાર ગાંધીનગરમાં કુંવરજી અંગે હોમવર્ક કરવામાં આવ્યું અને વા વાયાથી નળીયું ખસ્યું નથી પણ વાસ્તવિકતા છે કે કુંવરજી માટે પીએમ મોદીની ચોક્કસપણે મહત્વની ગણતરી રહેલી છે.
આમ તો “સત્ય ડે” દ્વારા કુંવરજીના પ્રમોશન અંગે પાંચ દિવસ પહેલાં સંભાવના વ્યક્ત કરવામાં આવેલી જ છે કે પીએમ મોદી સાથેની મુલાકાત એ કોઈ ઔપચારિક મુલાકાત નથી પણ તેનું ઘણું બધું મહત્વ છે અને ખાસ તો જ્યારે પીએમ મોદી પોતે પોતાના ટવિટર હેન્ડલ પર કુંવરજીનો ફોટો શેર કરતા હોય ત્યારે તો ચોક્કસપણે કુંવરજીની ભાજપમાં ખાસ સ્થાન નક્કી થઈ ગયું હોવાનું માની શકાય એમ છે.
ગુજરાતમાં પીએમ મોદીના બધા જ ધારાસભ્યો અને સંગઠનના લોકો સમર્થક છે ત્યારે કુંવરજીની દિલ્હી ખાતેની સરભરા આપોઆપ મહત્વ ધરાવતી થઈ જાય છે. 100 ધારાસભ્યોમાંથી કુંવરજીની સરભરા સીધા સંકેત છે કે કુંવરજીનો ભાજપ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત જ નહીં પણ જ્યાં કોળી પટેલ સમાજ નિર્ણાયક છે તેવાં રાજ્યોમાં પ્રચાર કરવા ઉપયોગ કરશે.