રવિવારે વહેલી પોતાની માનતા પુરી કરવા માટે નીકળેલા બે પદયાત્રીઓને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ગીરીરાજ હોટલ સામે એક અજાણ્યા વાહન હડફેટે લેતા બંનેના મૃત્યું નીપજ્યા છે. જેમાં એક યાત્રાળુ અંધજન છે. અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. માનતા પુરી કરવા નીકળેલા પટ્ટાવાળાનો સાથ આપવા ચોટીલા માથુ ટેકાવવા નીકળેલા બે પ્રજ્ઞાચક્ષુ પૈકી એકને રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.
રાજકોટ ખાતે આવેલા અંધજન કલ્યાણ મંડળમાં પટાવાળા તરીકે નોકરી કરતા વિજયભાઈ જગદીશભાઈ કણજારીયા અને અંધજન સંસ્થામાં રહેતા રવિભાઈ મેરામભાઈ ડાંગર તથા પરાક્રમસિંહ ગોહિલ એમ ત્રણે જણા રાજકોટથી ચોટીલા પગપાળા માનતા પુરી કરવા જતા હતા તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકાથી આગળ ગીરીરાજ હોટલ પર ચા-પાણી પીવા જવા માટે રોડ ક્રોસ કરતાં હતા તે દરમિયાન પરાક્રમસિંહે રોડ ક્રોસ કરી લીધો હતો પરંતુ પાછળ આવતા રવિ તથા વિજયને ચોટીલા બાજુથી આવતાં કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તે બંનેનું સ્થળ પર મોત થયું હતું.
આ અકસ્માતની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં તાત્કાલીક સુરેશભાઈ આહીર, ગોપાલભાઈ કાલરીયા તેમજ હરપાલસિંહ પરમાર બનાવ જગ્યાએ પહોંચેલ અને ટ્રાફિક ડાયવર્ટ કરી બંને મૃતદેહનો પંચનામા કરી મરણજનારના વાલી વારસની ઓખળો કરી તેમના પરિવારજનોને બનાવની જાણ કરી મરણ જનારને પીએમ માટે વાંકાનેર સરકારી દવાખાને ખસેડ્યા હતા. રાજકોટ અંધજન કલ્યાણ મંડળના ગૃહપતિ જયદીપભાઈ પારેખની ફરિયાદને આધારે વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. બી.ડી.પરમાર ચલાવી રહ્યાં છે.