ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આવેલ ઓઇલ મીલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આશરે ૩૦ હજાર ગુણી જેટલી મગફળીના જથ્થામાં આગ લાગી જવા પામી હતી જ્યારે જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગતા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના પટેલ કોલોનીમાં રહેતા અને ભરુડી ટોલનાકા પાસે શ્રીયા પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ નામે ઓઇલ મીલ ફેક્ટરી ધરાવતા ડાયાભાઈ પટેલ ના કારખાનામાં આશરે ૩૦ હજાર ગુણી મગફળીના જથ્થામાં આગ લાગતા પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની જાણ ગોંડલ ફાયર ફાઈટર અને કરાતા ફાયર ટીમ તુરંત દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, જેતપુર તેમજ ધોરાજી સહિતના ફાયર ફાયટરોની મદદ લેવાઇ હતી ઘટનાની જાણ પ્રાંત અધિકારી રાયજાદા તેમજ મામલતદાર ચુડાસમા ને થતા તેઓ પણ દોડી ગયા હતા. તાલુકા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી બહાર આવ્યું ન હતું. આગની ઘટના અંગે ઓઇલ મીલ વર્તુળોએ જણાવ્યું હતું કે ત્રીસ હજાર મગફળીની ગુણી એટલે એક હજાર ટન મગફળી ગણી શકાય જેની કિંમત આશરે ચાર કરોડ આંકી શકાય.