રાજકોટઃ અત્યારના આધુનિક જમાનામાં પણ મહિલાઓ ઉપર અત્યાચારો ઓછા થવાના બદલે વધી રહ્યા છે. દહેજ માટે પરિણીતાઓ ઉપર ત્રાણ ગુજારવાની અનેક ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે રાજકોટમાં પણ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે, એટલે તમારી દીકરીને ત્યાં જ રહેવા દેજો. તમારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો, અમે તેડી જઈશું. ત્યાં સુધી તમારી દીકરી ભલે તમારા રોટલા ખાય.”
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં દિક્ષિતા નામની પરિણીતાએ ખરચિયા ગામે રહેતા પતિ દેવાંશુ ભુવા, સસરા જયંતીભાઈ, સાસુ મંજુબેન, નણંદ અસ્મિતાબેન, મમતાબેન, દયાબેન તેમજ નીલમબેન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, “મારા લગ્ન 2018માં થયા હતા. મારા અને બહેનનાં લગ્ન સાથે હોય બાદમાં અમે બધા ગોવા સાથે ફરવા ગયા હતા. લગ્ન બાદ જ મારા પતિનું અલગ રૂપ મને જોવા મળ્યું હતું. ટૂંકા કપડાં પહેરવાના મુદ્દે મારા પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. તેમજ પરત ફરતા મારી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. સમગ્ર મામલે મેં જ્યારે મારા સાસુને વાત કરી ત્યારે મારા સાસુએ મને કહ્યું હતું કે, દેવાંશુને તારી સાથે લગ્ન કરવા નહોતા એટલે આવું વર્તન કરે છે. હું મારા પતિને કોઈ પણ વાત કરું તો પણ તે મને કહેતા કે તું મને ગમતી નથી. તું અહીંથી જતી રહે તેવી ધમકીઓ પણ આપતા હતા.”
પરિણીતાએ ફરિયાદમાં લખ્યું છે કે, “મારે ચાર નણંદ છે. તેઓ પણ મને મ્હેંણા ટોણા મારતા રહેતા હતા. મારા નણંદો મને કહેતા હતા કે તમે અમારા માટે પિયરથી કઈ લાવ્યા નથી. દરમિયાન એક વર્ષ પહેલા મારી બહેનને માનતા ઉતારવાની હોય હું તેના ઘરે ગઈ હતી અને ત્યારબાદ મારા પિતાના ઘરે ગઈ હતી. ત્યારે પાછળથી મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે. એટલે તમારી દીકરીને ત્યાં રહેવા દેજો. તમારે ગમે ત્યારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો તો તેડી જઈશું. ત્યાં સુધી ભલે તમારા રોટલા તોડે.” પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે.