રાજકોટઃ લૂંટ અને ચોરીની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. અમદાવાદમાં એક એનઆરઆઈ વૃદ્ધને માર મારી બંધક બનાવીને લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી. ત્યારે વધુ એક ઘટના રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. અહીં એક વૃદ્ધ દંપતીને માર મારીને ત્રણ લૂંટારાએ દંપતીને માર મારી રોકડ, ઘરેણાં મળી કુલ રૂ.3.45 લાખના મતાની લૂંટ કરી ફરાર થયા હતા.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામે ત્રણ લૂંટારાએ દંપતીને માર મારી રોકડ, ઘરેણાં મળી કુલ રૂ.3.45 લાખના મતાની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વજીબેન નાનજીભાઇ શિંગાળા નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પતિ સાથે સગારિયા માર્ગ પર આવેલી વાડીમાં પતિ સાથે રહે છે. ગત રાતે વાડીના ઘરમાં સૂતા હતા.
ત્યારે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક કોઇએ જોરજોરથી બારણું ખખડાવ્યું હતું. પોતે તેમજ પતિ કંઇ વિચારે તે પહેલા જ દરવાજો તોડી આશરે 25થી 35ની ઉંમરના ત્રણ શખ્સ ઘરમાં ધોકા સાથે ઘૂસી આવ્યા હતા. અને પતિને ધોકાથી માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ અન્ય એક શખ્સે પોતે કાનમાં પહેરેલી સોનાની બૂટી હાથથી ખેંચી કાઢી લીધી હતી.
જેને કારણે કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અન્ય એક શખ્સે પતિના ખિસ્સામાંથી પાકીટ તેમજ તેમનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. ત્યાર બાદ ત્રણેય શખ્સે પોતાના અને પતિ પર ગોદડા ઓઢાડી કહ્યું કે, વધુ માર ખાવો ન હોય તો પૈસા, ઘરેણાં ક્યા રાખ્યા છે તે કહી દો. અમે કોઇ જવાબ નહિ દેતા ત્રણેય શખ્સે ઘરની ચીજવસ્તુઓ વેરણછેરણ કરી દીધી હતી. સવારે પુત્રએ દરવાજો ખોલી પોલીસમાં ફોન કર્યો હતો. પોલીસે લૂંટારુઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે.
લૂંટ કરી નાસી ગયેલા શખ્સો ખેતમજૂર આદિવાસી જેવા લાગતા હોવાનું વૃદ્ધાએ જણાવ્યું હતું. જેથી પોલીસ તપાસમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી ખેતમજૂરો હોય તે દિશામાં તપાસ શરૂ કરી છે. મગફળીના વેચાણના રૂપિયા આવ્યાની ખબર હોય જાણભેદુની જ સંડોવણીની શંકાએ તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું એલસીબી પીઆઇ ગોહિલે જણાવ્યું છે.
વૃદ્ધાએ પોલીસને જણાવ્યું કે, રાત્રીના દરવાજો ખખડાવતા ત્રણ વાગ્યા હોય કોણ હશે તેમ જાણી જાગી ગયા હતા, પરંતુ દરવાજો ખોલવા ઊઠી તે પહેલા જ ત્રણ શખ્સ દરવાજો તોડી ઘરમાં ઘૂસી લૂંટ કરી નાસી ગયા હતા. બાદમાં ત્રણેય શખ્સે ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. આમ એક કલાક સુધી બાનમાં રાખી ચાર વાગ્યે લૂંટારુઓ ભાગી ગયા હતા.