રાજકોટ: થોડા દિવસ પહેલા ટ્રાવેલ્સ સંચાલકના ઘરે રૂ. 25 લાખથી વધુની ચોરી થવા પામી હતી. જેનો ભેદ પોલીસે ઉકેલી દીધો હતો. તાલુકા પોલીસ દ્વારા સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી 11.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મગનભાઈ ચતુરભાઈ જાદવના બંધ મકાનમાંથી રોકડ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 25.11 લાખના મુદ્દામાલની ચોરી થવા પામી હતી.
જે બાબતની જાણ તાલુકા પોલીસને થતાં પીઆઇ જેવી ધોળા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. દરમિયાન પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફને આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પ્રવીણ ઉર્ફે પવો જેન્તીભાઈ રહેવર અને એક સગીરને ઝડપી પાડતા તેઓએ ચોરી અંગે કબુલાત આપી હતી.
તો સાથે જણાવ્યું હતું કે, પૈસાની ખેંચ હોય મકાનમાં સોના ચાંદી તેમજ રોકડ મોટી સંખ્યામાં પડયા હોવાની વાત મગનભાઈના ટ્રાવેલ્સમાં નોકરી કરી ચૂકેલા કૃણાલ નામના શખ્સે આપી હતી. ત્યારે પોલીસે કૃણાલને પણ સકંજામાં લઇ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતનો કુલ 11.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કે વધુ મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ઘર કા ભેદી લંકા ઢાયે પ્રકારની કહેવત સાચી ઠરી છે. ખુદ પોતાના પૂર્વ માલિકના ઘરમાં ચોરી કરવાની તેમજ ચોરી કરી શકાય છે તે બાબતની બાતમી પૂર્વ ડ્રાઈવર દ્વારા આપી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના ગૌતમ પાર્ક માં રહેતા તેમજ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા મગનભાઈ ચતુરભાઈ જાદવ નામના વ્યક્તિ ગત 29મી એપ્રિલના રોજ સાયલાના સુદામડા ગામે રહેતા મામાનું અવસાન થતાં પરિવારજનો લૌકિક ક્રિયાએ ગયા હતા. દરમિયાન પેલી મેના રોજ પત્ની પણ સુદામણા ગામે આવી હતી. જ્યારે કે પુત્ર અને પુત્રવધુ પંચરત્ન પાર્કમાં આવેલા નવા મકાને ગયા હતા. ત્યારે બીજી મેના રોજ બંધ મકાનને આંટો મારવા આવતા મકાનનું તાળું તૂટેલું જોયું હતું.
જેના કારણે કંઈક અજુગતું થયાની શંકા સેવાઈ હતી જેથી મકાનની અંદર જોતા સામાન વેરવિખેર તેમજ તીજોરી તુટેલી હાલતમાં જણાઈ આવી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ રાઠવા પીએસઆઈ એન. ડી. ડામોર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મકાનમાંથી 4.30 લાખની રોકડ તેમજ તિજોરીના તાળા તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 25.21 લાખની મતા ચોરાઈ હોવાનું જણાવ્યું હતું.