હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. સરકાર લોકોને કહી કહીને થાકી ગઈ છે કે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, ભીડ એકઠી ન કરો. આ એવી બાબત છે જે તમને કોરોનાથી ઘણા બધા અંશે બચાવી લેશે. આ બાબતને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમય સમયે પોતાની ગાઈડલાઈનમાં નિયમોમાં વતાઓછા પ્રમાણમાં પરિસ્થિતીને જોતા ફેરફાર કરતા રહ્યા છે. જનતાના હિત માટે સરકાર જ્યારે કાયદા અને નિયમો બનાવતી હોય છે. ત્યારે જનતા તો આ નિયમોનું પાલન કરતી આવે છે. પણ નેતાઓ જાણે કે નાક કાન વગરના થઈ ગયા છે. તેઓ આટલી મહામારી વકરેલી છે, છતાં ઉજવણી અને ઉદ્ધાટનના તાયફામાં બહાર આવતા નથી. ત્યારે વધુ ભાજપના નેતાએ ફજેતો કર્યો છે. શું રાજ્ય સરકાર આ નેતા વિરુદ્ધ કોઈ એક્શન લેશે કે નિયમો ખાલી જનતાને હેરાન કરવા માટે જ બનાવ્યા છે.રાજકોટના ગોંડલ ચોકડી નજીક ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખનું સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતુ. જો કે આ પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતાં. એકબાજુ કોરોના અને મ્યુકરમાઇકોસીસથી મોત થઇ રહ્યાં છે.ત્યારે ભાજપના સેલિબ્રેશનથી લોકોમાં સવાલો ઉઠી રહ્યાં છે.હાલમાં કુદરતી આફતો અને મહામારાથી ગુજરાત ઘેરાયેલું છે. ત્યારે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરોટાના સ્વાગત કાર્યક્રમથી લોકોમાં રોષ ફેલાયો હતો. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાદ આ પ્રથમ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
