ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની 60 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સવારે 7:30 કલાકે રાજકોટથી પદયાત્રીઓ કાગવડ જવા પ્રસ્થાન કર્યું હતું. મહત્વનું છે કે આવતીકાલે એટલે 21મી જાન્યુઆરીએ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે આજે સવારે 6.30 કલાકની આસપાસ સરદાર ભવન ખાતે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે સરદાર પટેલ ભવન, રાજકોટથી ખોડલધામ મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. આ પદયાત્રામાં ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલ પણ જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં જોડાયેલ નરેશ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ખોડડલધામનાં દરેક ભાઇ બહેનને અભિનંદન પાઠવું છું અને આ યાત્રા સુખદાયી અને સફળ રહે તેવી માં ખોડલને પ્રાર્થના કરૂં છું. આવતી કાલે માનાં પધરાણાનાં બે વર્ષ પુરા થાય છે. એટલે આખા દેશનાં કન્વિનરોનાં સ્નેહમિલનનું આયોજન થશે
આ પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઈ 150 ફુટ રીગ રોડ, ગોંડલ ચોકડી થઈ બપોરે 11 વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે. અહીં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઈ સાંજે 7 વાગ્યાની આસપાસ ગોંડલ પહોંચશે. જયાં પદયાત્રિકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે.વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે 11 વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે 4 વાગ્યે પદયાત્રા પહોચશે જયાં પદયાત્રિકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે 6 વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે પદયાત્રિકો યાત્રાને વિરામ આપશે.