રાજકોટઃ પોલીસ ઉપર બૂટલેગરો સહિત અસામાજિક તત્વોનો હુમલો થવો સામાન્ય બાબત છે ત્યારે પોલીસ પણ આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવામાં પાછી પડે એમ નથી. રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસના પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ઉર્ફે કિકુ ભરવાડ અને તેના સાગરિતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસના ઇજાગ્રસ્ત પી.એસ.આઈ સહિતના સ્ટાફે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારે આજરોજ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ ઘટનાનું રિકંસ્ટ્રક્શન તેમજ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે પોતાની ભૂલનું ભાન થતાં કુખ્યાત રાજુ ઉર્ફે કિકુ ભરવાડે માફી પણ માંગી હતી.
પોલીસ ઉપર હુમલો કરનાર રાજુ ઉર્ફે કિકુ ભરવાડ જાણે કે પોલીસે તેને “કૂકડો” બનાવી દીધી હોઈ તે પ્રકારના તેના હાલ આજરોજ રિકંસ્ટ્રક્શન સમયે જોવા મળી રહ્યા હતા. પોલીસ ઉપર થયેલા હુમલાની જાણ થતા dcp મનોહરસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવે તેમજ તેમને ખાખી નો ખોખારો આરોપીઓ સાંભળે તે પ્રકારનો આદેશ કર્યો હતો. માલવિયાનગર પોલીસે FIR મા 11 જેટલા નામજોગ અને સાત અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
માલવિયાનગર પોલીસે હાલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. આ કેસમાં (૧) રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા (૨) ગેલા સામંત શિયાળીયા, (૩) માલા ગેલા શિયાળીયા, (૪) નયન ખીમજી કરંગીયા,(૫) પિયુષ કાંતિ ચૌહાણ ઝડપાઈ ગયા છે. જ્યારે (૧) રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર (૨) લાલો સંગ્રામ મીર (૩) છગન સંગ્રામ મીર (૪) કરશન સોંડા જોગરાણા (૫) રતુમધા મીર (૬) નવધણ ધના જોગરાણા તથા સાતેક જેટલા અજાણ્યા માણસો પકડવાના બાકી છે
રાજકોટ શહેરમાં શુક્રવારના રોજ આનંદ બંગલા ચોકમાં કારખાનેદાર અને તેમના પિતાની કાર આંતરી રિક્ષાચાલક સહિતના શખ્સોએ ધોકા પાઇપ ફટકારી કારખાનેદારના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. કારખાનેદારની જમીનમાં રાજુ ઉર્ફે કુકી ભરવાડ નામના શખ્સે કબજો કરી લીધા હોવાની કારખાનેદારે પોલીસને અરજી કરી હતી. જેના કારણે કુકી ભરવાડ પ્લોટ ખાલી કરવો પડ્યો હતો. જે બાબતનો ખાર રાખી કુકી ભરવાડે પોતાના માણસો મારફત કાવતરું ઘડી હુમલો કરાવ્યો હતો.
જે ગુના અંતર્ગત કુકી ભરવાડ અને તેના માણસો ને ઝડપી પાડવા માટે માલવિયાનગર પોલીસે ગોંડલ રોડ સો ફૂટ રીંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ ખાતે પહોંચી હતી. જ્યાં કુકી ભરવાડ તથા તેના સાથીઓ દ્વારા પોલીસ ઉપર સોડા ની બોટલો ના કરી ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. કુકી ભરવાડ અને તેના સાગરીતો દ્વારા આડેધડ બોટલોના થતા પીએસઆઇ ઝાલાને માથામાં ઇજા પહોંચી હતી.
ઇજા પહોંચવાના કારણે તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. તેમ છતાં માલવિયાનગર પોલીસે રાજ ઉર્ફે કૂકીને દબોચી લીધો હતો. પીએસઆઇ ઝાલાને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને માથાના ભાગે ચાર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના ઉપર હુમલો થયા હોવા છતાં અને લોહીલુહાણ થઇ ગયા હોવા છતાં પીએસઆઇ વી.કે ઝાલા અને તેમની ટીમના મશરી ભાઈ ભેટરીયા સહિતના પોલીસ કર્મીઓએ હિંમતભેર આરોપીઓનો સામનો કરી તેમને ઝડપી પાડવા બદલ રૂપિયા ત્રણ હજારનું રોકડ ઇનામ જાહેર કર્યું છે. ગુરૂવારના રોજ સમીરભાઈ વલ્લભભાઈ અઘેરા નામના કારખાનેદારની ફરિયાદ ના આધારે માલવિયાનગર પોલીસે રાજુ ઉર્ફે કુકી ભરવાડ, કાળો રિક્ષા વાળો તથા ચાર અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ 323, 325, 120b, તેમજ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.