રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહ રાણાનું કાર અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં બેસેલા પરિવારના અન્ય લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. ઈજાગસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિગતો મુજબ જયદીપસિંહ ગઈકાલે પોતાની બહેનના સાસરીયામાં લગ્ન પ્રસંગમાંથી માતા-પિતા, કાકી અને ભાઈ સાથે ગયા હતા. લગ્નમાંથી પાછા ફરતી વખતે રાજકોટના કાગદડી ગામ પાસે તેમની કાર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ગામ લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢયા હતા. પરંતુ કમનસીબે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આજે જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો અને પોલીસ બેડાના માણસો હાજર રહ્યા હતા.
કેટલાક મહિના પહેલાં જ જયદીપસિંહની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી થઈ હતી. જયદીપસિંહ ડીસીબીમાં આવ્યા તે પૂર્વે ભક્તિનગર પોલીસ મથકમાં એએસઆઈ હતા. જયદીપસિંહ માતા-પિતાનાં એક માત્ર પુત્ર હતા. તેમના મોતથી ઘર અને અન્ય પરિવારજનોમાં શોકની કાલિમા પથરાઈ ગઈ છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્વ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.