કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરન્ટીન છે અને તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા તેમણે વિનંતી કરી છે. રાજકોટમાં આજે વધુ 96 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4538 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કોરોના સંક્રમણ વધતા આજે બપોર બાદ દાણાપીઠમાં તમામ દુકાનો બંધ રહેશે.રાજકોટમાં કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ટ્રાફિક ACP ભરત ચાવડા સહિત પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં આજે 101 કેસ નોંધાયા છે.