રાજકોટ : ગયા વર્ષે નવેમ્બરમાં રવિ જાનીએ તેની પત્ની રાધિકાનું એક્સ્ટ્રામૅરિટલ અફેર્સની શંકા પરથી મર્ડર કરીને તેની લાશ ચોટીલાના જંગલમાં ફેંકી દીધી હતી. ગઈ કાલે એ હત્યાનો બદલો લેવાના હેતુથી પરોલ પર છૂટેલા રવિને કિડનૅપ કરીને રાધિકાના નાના ભાઈઓ ઋષિ અને પ્રશાંતે પોતાની કારમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી અને હત્યા બાદ એ છરી બન્નેએ ચોટીલાના ડુંગર પર આવેલા ચામુંડા માને અર્પણ કરતા હોય એમ મંદિરના પાછળના ભાગમાં મૂકી દીધી હતી.
રાધિકાના મર્ડર બદલ એક વર્ષથી જેલમાં રહેતા રવિને કોર્ટે પરોલ આપતાં રવિ બે દિવસ પહેલાં જ બહાર આવ્યો હતો. રવિને પરોલ મળે એ માટેના જામીન પણ બીજા કોઈએ નહીં, તેના સૌથી નાના સાળા ઋષિએ જ આપ્યા હતા. પરોલ પર બહાર આવ્યા પછી રવિ શનિવારે સાંજથી ગુમ થઈ ગયો હતો અને ગઈ કાલે બપોરે તેનો મૃતદેહ રાજકોટના એક અવાવરુ વિસ્તારમાં રેઢી મુકાયેલી કારમાંથી મળ્યોહતો. એ કારના નંબરના આધારે તપાસ કરતાં ખબર પડી હતી કે એ કાર પ્રશાંત અને ઋષિની છે. પ્રશાંત અને ઋષિ અત્યારે ગાયબ છે, પણ આ મર્ડરમાં સાથ આપનારા તેના એક ફ્રેન્ડની અરેસ્ટ પોલીસે કરી એમાં આખો કેસ સૉલ્વ થઈ ગયો હતો. પોલીસનું માનવું છે કે પ્રશાંત અને ઋષિ અત્યારે મુંબઈમાં હોઈ શકે છે જે માટે એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે.