જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર અસારવા સિવિલ હોસ્પિટલમાં ‘ટ્રેકિઓ- ઇસોફેગલ ફિસ્યુલા’ નામની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. દર પાંચ હજાર બાળક દીઠ એક બાળકમાં જોવા મળતી આ બીમારીમાં અન્નનળીનો ઉપરનો ભાગ બંધ હોય છે અને બાકીનો ભાગ શ્વાસનળીમં જોડાયેલો હોય છે. જેનાં કારણે બાળક ખોરાક લઇ શકતું નથી અને ખોરાક આપવાના કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન થવાની શક્તા વધી જાય છે.રાજકોટ જિલ્લાના જેતપુરના એક શ્રમિક પરિવારને ત્યાં ૧૫મી એપ્રિલે બાળકીનો જન્મ થયો હતો. જન્મ બાદ સ્થાનિક તબીબોના ધ્યાનમાં આવ્યું હતું કે બાળકી ખોરાક લઇ શકતી નથી અને તેને ફીણવાળી ઉલટીઓ થતી હતી. જેથી તેને અમદાવાદ સિવિલમાં સર્જિકલ મેનેજમેન્ટ માટે રિફર કરવામાં આવી હતી. બાળકીને અહીં લાવી સર્જરીની તૈયાર સમયે બહાર આવ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે. જેથી તેને ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ થયેલા નિદાનમાં બહાર આવ્યું હતું કે તેને ‘ટ્રેકિઓ- ઇસોફેગલ ફિસ્યુલા’ની બીમારી છે.જેનાં કારણે તેના ખોરાક લેવાનાં માર્ગો બંધ છે. બાળકીની હાલત સ્થિર થતાં ૧૮મી એપ્રિલે તેની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ટયુબ ફીડીંગ દ્વારા ખોરાક આપવામાં આવતો હતો. ઓપરેશનના બાર દિવસ બાદ કરાયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે ટયુબ હટાવી ચમચીથી ખોરાક આપવામાં આવે તો લીકેજની કોઇ શક્યતા નથી. જેથી બાળકીને હવે ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય કરાયો છે.
