રાજકોટ જિલ્લાના ચુડા પાસેના કુંડલા ગામે રહેતી 18 વર્ષની યુવતી તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી, હલર મશીન પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગઇ હતી, ત્યારે અચાનક ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાતાં યુવતી તેની સાથે ખેંચાતા માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. હાલ યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા PM માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત અનુસાર કુંડલામાં યુવતી તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગત સાંજે 04:30 વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી. પાણી આપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો અને એ સાથે તે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ PM માટે ખસેડી કાગળો ચુડા પોલીસને મોકલવા તજવીજ કરી હતી. ઉલ્લેખનીય છે કે જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારજમાં શોકની લાગણી છવાય છે.
