રાજકોટઃ રસ્તા પર ઝડપ જીવલેણ સાબિત થઇ શકે છે તેનો પૂરાવો રૂપે એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં કારની અડફેટે એક બાઇક ચાલક આવ્યો હતો. જેમાં બાઇક પર સવાર લોકો ફંગોળાઇને કારને પાછળ પડ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં છેલ્લા અનેક દિવસથી અકસ્માતની ઘટનાના મોટા પ્રમાણમાં સમાચાર આવી રહ્યા છે. જો પોલીસ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસૂલાત કરે છે. તો અકસ્માતજનક રસ્તાઓ પર સાવચેતી પૂર્વક વાહનો ચાલે તે પણ જવાબદારીનું કામ છે.
રાજકોટમાં જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તેમાં કોઈ પણ ડિવાઈડર જોવા મળ્યું નથી. ડિવાઈડર ન હોવાના કારણે રસ્તાઓને સૂચિત કરતા બોર્ડ પણ હોતા નથી. સાથે સિગ્નલ પણ હોતા નથી. અકસ્માતની ઘટના બાદ કારની ડ્રાઈવિંગ સીટ પરથી એક યુવતી બહાર નીકળીને કોઈ ઘર તરફ જતી પણ સીસીટીવીમાં જોવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે દર્શન મકવાણા નામનો વ્યક્તિ બાઈક ચલાવતો હતો જ્યારે કે તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. હાલ બંને યુવાનોને સારવાર અર્થે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બાઈક ચલાવનાર દર્શન મકવાણાની હાલત ખુબ જ ગંભીર જાણવા મળી છે જ્યારે કે તેના મિત્રના પગના ભાગે ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે.