રાજકોટઃ શહેરમાં ગેરકાયદેસર હથિયાર રાખનારા પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આ વખતે કોઈ પોલીસ પુત્ર પણ પોલીસની ઝપેટે ચડ્યો છે. રાજકોટ ગ્રામ પોલીસે પોલીસ સંતાન સહિત ત્રણ લોકોને દેશી બનાવટની પિસ્તોલ સાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના વિંછીયા પોલીસના પીએસઆઇ ટી.એસ.રીઝવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રિપલ સવારીમાં બાઇક દ્વારા મોઢુકાથી વિંછીયા તરફ ત્રણ જેટલા શખ્સો આવી રહ્યા છે. જેમની પાસે ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ રહેલા છે.
ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ રીઝવીએ વિછીયા મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ત્રિપલ સવારીમાં બાઇક પર નીકળેલા યુવાનોને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની અંગજડતી કરવામાં આવતા ભાવેશ વિનુભાઈ રાજપરા નામના સખ્સના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેમજ હથિયાર ચેક કરતાં તેમાંથી ચાર જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.
ત્યારબાદ ત્રણેય શખ્સોને લઇ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ભરત ભોળા માલકીયા અને વિજય પોપટ ચાવડાએ ચોટીલાના વતની હોવાનું તેમ જ ખેતી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે મુખ્ય આરોપી ભાવેશે પોતે અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ તેના પિતા સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું.
ત્યારે સમગ્ર મામલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા હથિયારનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાના હતા તેમ જ ભૂતકાળમાં કોઈ જગ્યાએ ઝડપી પાડવામાં આવેલા હથિયારનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.