ગુજરાતમાં પાછલા એક મહિનામાં ખેડુતોની આત્મહત્યાના બનાવો સતત બની રહ્યા છે. ખેડુતોની આત્મહત્યાના બનાવોને રોકવામા ગુજરાતની રૂપાણી સરકાર નિષ્ફળ ગઈ હોવાનું લાગી રહ્યું છે. સંવેદનશીલ સીએમની સંવેદનશીલતા અપ્રગટ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. પાકનો વિનાશ થવાના કારણે ખેડુતો મરી રહ્યા છે. આ વખતે 51 વર્ષીય સવજી કાકાએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટ નજીક આવેલા પડઘરી જિલ્લાના એક ગામમાં ખેડુતે રાત્રે ત્રણ વાગ્યે પોતાની જાતને કેરોસીન છાંટી સળગાવી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ખેડુત ખૂબ જ ગરીબ હતા અને દાહસંસ્કાર માટે પણ પૈસા ન હોવાનું માલૂમ પડ્યું હતું.
આર્થિક તંગીની કંટાળીને પડઘરી જિલ્લાના મોટા રામપરા ગામમાં 51 વર્ષીય સવજીભાઈ નરભેરામ ભોજાણીએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ સવજી કાકાના નામથી ઓળખાતા હતા. આર્થિક સંકડામણના કારણે તેઓ ચિંતાગ્રસ્ત રહેતા હતા. પરિવારની સ્થિતિ પણ દયનીય બની જવા પામી હતી. પરિવારની સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે સવજી કાકાના અગ્નિસંસ્કાર માટે પણ પરિવારજનો પાસે રૂપિયા ન હતા. બીજી તરફ ગામ લોકોનું કહેવું છે કે ઘરમાં આર્થિક સ્થિતિને લઈ ઝઘડો થયો હતો અને તેના કારણે સવજી કાકાએ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ તેમને અંતિમ યાત્રા નીકળશે.
પાછલા 10 દિવસની ઘટના પર નજર કરીએ તો આર્થિક ભીંસના કારણે ખેડુતોના આત્મહત્યાના બનાવ બની રહ્યા છે. ત્રણ મહિનામાં પાંચમી ઘટના બની છે. જ્યારે 10 દિવસમાં ત્રણ ખેડુતોએ આપઘાત કર્યા છે. જે ખેડુતોએ આત્મહત્યા કરી છે તેમાં પાકનો વિનાશ થવાનું કારણ મુખ્ય છે. ગુજરાત સરકાર ખેડુતોની આવક બેગણી કરવાના બણગાં ફૂંકી રહી છે પરંતુ અમલીકરણની દિશામાં કોઈ નક્કર કામગીરી દેખાતી હોય તેવું જણાતું નથી.