અમદાવાદ બાદ હવે રાજકોટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ આગામી 24થી 26 જાન્યુઆરી દરમિયાન બહુમાળી ભવન સામે રેસકોર્સ ગાર્ડનમાં ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. ફ્લાવર શો અંદાજે 50 હજાર ચોરસ મીટર જગ્યામાં કુદરતી વાતાવરણ વચ્ચે ઊભો કરવામાં આવશે. જેમાં અંદાજે 50 જેટલા સ્ક્લ્પચર્સ ઊભા કરાશે અને અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવશે.
24થી 26 જાન્યુઆરી દરમિયાન સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ફ્લાવર શો યોજાશે જેમાં ગુજરાત ઉપરાંત કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોની નર્સરી ભાગ લેવા માટે આવશે. ઉપરાંત ગાર્ડન એસેસરીઝ, વન્ય અને ખેતીની પેદાશો વેચાણ સહિતની સામગ્રીના સ્ટોલ રાખવામાં આવશે.
ફ્લાવર શોમાં શહેરીજનોને વિવિધ જાતના રંગબેરંગી પુષ્પો, લત્તાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ–પક્ષીઓની પ્રતિકૃતિઓ અવનવા આકારો, અક્વેટિક પ્લાન્ટ્સ, કેકેટસ, બોનસાઇ, બલ્બીસ પ્લાન્ટ્સ, મેનક્રીચર્સ, કલરફૂલ ફોલિયેઝ પ્લાન્ટ્સ, પેરેનિયલ પુષ્પો, ઓર્કિડ-વેરાઇટી, પામ વેરાઇટી, મલ્ટિ કલર રોઝ વેરાઇટી, જેરોફાયટિક પ્લાન્ટ્સ, સક્યુલટ્સ, જ્યુનિપેરસ પ્લાન્ટ્સ, મેડિસિનલ પ્લાન્ટ્સ તેમજ અવનવા પુષ્પો વગેરેની અંદાજે 70થી વધુ જાતના પ્લાન્ટ્સ જોવા મળશે.