જસદણની પેટાચૂંટણીમાં વિજય મળ્યા બાદ કોળી સમાજના આગેવાન અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં પીએમઓ ખાતે મુલાકાત કરી હતી. પીએમઓમાંથી તેડું આવતા તમામ કાર્યક્રમો ટૂંકાવીને બાવળીયા આજે બપોરે દિલ્હી જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદીએ બાવળીયાને જસદણની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને ટવિટ કરી ફોટો પણ શેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીની શૂભેચ્છા મુલાકાત દરમિયાન બાવળીયાએ જસદણ-બોટાદ રેલ લાઈનના વિસ્તારની ચર્ચા કરી હતી. બાવળીયા જ્યારે સાંસદ હતા ત્યારે તેમણે રેલ લાઈન શરૂ કરવા અંગે મહેનત કરી રહ્યા હતા. આ માંગને તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ આ માંગ મૂકતા વડાપ્રધાને તેમને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કુંવરજીએ વડાપ્રધાન મોદી ઉપરાંત પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીઓ સહિત અનેક મંત્રીઓની મુલાકાત કરી હતી. ભાજપ દ્વારા કુંવરજીના કોળી ફેસને લઈ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વોટબેન્કમાં મોટા ગાબડાં પાડવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. કુંવરજી અને વડાપ્રધાન મોદીની મુલાકાતને આ રીતે પણ સૂચક માનવમાં આવી રહી છે.
બીજી ચર્ચા એ પણ છે કે ભાજપ દ્વારા કુંવરજીને પ્રમોશન આપવામાં આવશે અને વાયબ્રન્ટ ગુજરાત બાદ ગુજરાત સરકારમાં ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે.