રાજકોટઃ ભાવનગર રાજકોટ હાઈવે પર એક ટ્રકના ગંભીર અકસ્માતે 20થી વધુ લોકોનો ભોગ લીધો છે. હાઈવે પરથી પસાર થતી વખતે ટ્રક ગરનાળા પરથી નીચે ખાબકી હતી જેના કારણે આ ગરમખવાર ઘટના બની છે. આ અકસ્માત પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવર નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે. આ અકસ્માત સવારે 7 વાગ્યાની આસપાસ રઘોળા પાસે બન્યો હતો. સવારના સમયે જાન લઈને ટ્રક હાઈવે પરથી સપાસ થઈ રહ્યો હતો ત્યારે રંઘોળા પાસે ટ્રક ગરનાળા પાસે ખાબક્યો હતો, બનાવની જાણ થતા પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તે દારુના નશામાં હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બનાવના સ્થળ પર રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે તો પ્રાથમિક અહેવાલ પ્રમાણે ડ્રાઈવરની બેદરકારી છતી થઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક જાનૈયાઓને લઈને ભાવનગરના પાલિતાણાથી બોટાદ તરફ જઈ રહી હતી ત્યારે આ ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં27થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થાય છે, ઘાયલોને સારવાર માટે ભાવનગર અને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ પલ્ટી ખાઈ ગયેલી ટ્રકને ક્રેઈનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તો તેમાં ફસાયેલા ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે કરાઈ રહ્યા છે.