20,662 મતથી જસદણની પેટાચૂંટણીમાં ભાજપના ચિહ્ન પરથી ચૂંટણી લડી અને જીતીને કુંવરજીએ કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરી નાંખ્યો છે. અવસર નાકીયાએ લડત આપી પરંતુ ચૂંટણી મેદાનમાં ગુરુની સામે ચેલાનો પરાજય થયો અને ફરીવાર પુરવાર થયું કે જસદણ કુંવરજી બાવળીયાનું છે.
પાછલા કેટલાય સમયથી ભાજપમાં ઓબીસી સમાજમાંથી નેતાની કારમી અછત સર્જાયેલી જોવા મળી રહી છે. પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે બંધુ ચહેરા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ નુકશાનની ભરપાઈ કરવાનું મન ભાજપે બનાવી લીધું હતું અને ઓપરેશન કુંવરજી શરૂ થયું. તેમાંય વળી કોંગ્રેસે પરેશ ધાનાણી અને અમિત ચાવડા જેવા યુવાઓને કમાન સોંપતા કુંવરજીએ તરત જ કહ્યું હતું કે 2019માં કોંગ્રેસને આ નિર્ણયો ભારે પડશે. કોંગ્રેસે યુવા નેતાઓને કમાન સોંપી તેની નુકશાનીનો જસદણથી પ્રારંભ તો નથી થયોને? બીજું એ કે કુંવરજીએ કહ્યું હતું કે એક ફૂંક મારીશ તો કોંગ્રેસ સાફ થઈ જશે. કુંવરજીની ફૂંકમાં દમ છે. જસદણમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને ભાજપનો વિજય થયો છે.
એક વર્ષ પહેલાં જ્યાં કોંગ્રેસનો જયકાર હતો ત્યાં એક વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો તો એનો મતલબ એ છે કે પક્ષ કરતાં કુંવરજીએ પોતાની વ્યક્તિગત તાકાત અને હેસિયત પર ચૂંટણી લડી. ભાજપનાં સંગઠને કેટલું કામ કર્યું તે બધા જ જાણે છે. કોળી પટેલ સમાજમાંથી વર્ષો બાદ કોઈ નેતા કેબિનેટ મંત્રી બન્યો હતો અને તેનો લાભ ચૂંટણીમાં થયો એનો પણ ઈન્કાર કરી શકાય નહીં. બીજું એ કે ભાજપના 35 સ્ટાર પ્રચારકો હતા તેમણે કેટલો પ્રચાર કર્યો છે તેની નોંધ ભાજપની નેતાગીરીએ લીધી છે. ભાજપના નેતાઓ વિજયને વધાવી રહ્યા હોય, સરકારમાં જનતાના વિશ્વાસની વાત કરતા હોય પણ વિજય કુંવરજીનો જ થયો છે. કુંવરજીએ સાબિત કર્યું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય જસદણમાં તેમના નામના સિક્કા ચાલે છે. લોકોએ ભાજપ-કોંગ્રેસને નહીં પણ કુંવરજીને જીતાડ્યા છે. પ્રલોભનો, લોભ,લાલચ, જે હોય તે, ચૂંટણીમાં આવા દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે અને તેનો બખૂબી ઉપયોગ થયો. કોંગ્રેસની ગુજરાતની નેતાગીરી અવસર નાકીયાને બલિનો બકરો બનાવી ગઈ, એવી કોળી સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાની વાતને આજે દોહરાવી પડે છે.
હવે આગળની વાત કરીએ તો જસદણમાં કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કર્યા બાદ ભાજપ માટે કુંવરજી રૂપે એક નવા કોળી નેતા મળ્યા છે. કોળી પટેલ સમાજમાંથી કુંવરજી બાવળીયા સરીખા નેતાને હાંસલ કરવાની ભાજપ પ્રમુખ અમિત શાહની વ્યૂહરચના કારગત નિવડી છે. કુંવરજીની ભાજપના નિશાન પર નવી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ છે અને જસદણના લોકોએ વિકાસની રાજનીતિને વધાવી છે.
આગળ લખાયું તેમ ભાજપના અનેક નેતાઓ પર હવે કુંવરજી ભારે પડી શકે છે. ખાસ કરીને રાજકોટ અને તેની આજુબાજુના ગામોમાં કુંવરજીનો પ્રભાવ વધશે અને તેનો લાભ ભાજપને અવશ્ય મળી શકે તેમ છે. રાજકોટ મહાનરપાલિકામાં પણ કુંવરજીના અનેક સમર્થકો ચૂંટાઈ આવ્યા હતા અને હાલ તેઓ કોંગ્રેસમાં છે અને આવનાર દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકામાં એક વોટની બહુમતિ ધરાવતા ભાજપને બમ્પર લોટરી લાગી શકે તેમ છે.