જસદણઃ રાજકોટ જિલ્લામાં આવેલા જસદણમાં એક ખેડૂતને રોવાનો વારો આવ્યો હતો. સામાન્ય રીતે કૂદરતી આફતના કારણે પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોને વધારે નુકસાન થતું હોય છે. પરંતુ જસદણના આ ખેડૂતનો કૂદરતનો પ્રકોપ નહીં પરંતુ કોઈ અજણ્યા વ્યક્તિના કારણે રોવાનો વારો આવ્યો હતો. ખેડૂતો મહામહેનતે જીરુંનો પાક ભેગો કર્યો હતો. જેને કોઈ અજાણ્યા વ્યક્તિએ સળગાવી દીધો હતો. જસદણ તાલુકાના વીરનગરમાં રહેતા સંજયભાઇ જયંતીભાઇ ખુંટની વાડીમાં ઉપાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી ચાંપી દીધી હતી.
આ અંગે ખેડૂત સંજયભાઈએ જણાવ્યું હતું કે, અમે ગઇકાલે સવારે દસ વાગ્યે વાડીએ હતા અને જીરાના પાકનો ઢગલો કરીને રાખ્યો હતો. આજે સવારે ટ્રેક્ટર દ્વારા કાઢવાની કામગીરી કરવાના હતા. પરંતુ અમને વહેલી સવારે પાડોશીએ જાણ કરી કે, તમારું જીરુ સળગે છે. આથી અમે વાડીએ દોડી આવ્યા હતા.
પરંતુ અમારા હાથમાં માત્ર રાખ આવી હતી. અમારે અંદાજે ચાર લાખની નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમારા કોઈ દુશ્મન પણ નથી. અમારી વાડીની આજુબાજુમાં પણ જીરાનો પાક આવેલો છે. પરંતુ અમારો જ પાક સળગાવી દેવામાં આવ્યો હોવાથી અમારી સીઝનની મહેનત એળે ગઇ છે.
સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મેં આટકોટ પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ કરવા આવી રહી છે. કોઈ અજાણ્યા શખ્સોએ આ વાડીમાં જીરાનો પાક સળગાવી દેતા નાના એવાં વીરનગર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નાનાં ખેડૂત પર આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગામના લોકો દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક તરફ ખેડૂતોને પાકના ભાવ ઓછા મળી રહ્યા છે તો બીજી તરફ આ સીઝનમાં કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો છે.
કેમકે, જીરું વાવવા જે ખર્ચ થયો તેનું વળતર પણ ક્યાંયથી મળશે નહિ. હાલ તો ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે અને જીરુનો પાક સળગાવનારની શોધખોળ હાથ ધરી છે.