રાજકોટઃ અત્યારે ઘરેલું હિંસા અને દહેજના કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે. પૈસાના લોભિયા સાસરિયાઓ પરિણીતાઓ ઉપર અનેક પ્રકારના અત્યાચાર કરતા હોવાની ઘટનાઓ બને છે ત્યારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતા ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા કૈલાસધારા પાર્ક શેરી નંબર-3માં માતાપિતાના ઘરે રહેતી બિન્ની શાહ નામની શિક્ષિકાએ મહેસાણાના વિસનગરમાં રહેતા પતિ જીગ્નેશ શાહ, સસરા રાજેન્દ્રભાઈ માધવલાલ શાહ તેમજ સાસુ જ્યોત્સનાબેન શાહ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ મહિલા પોલીસને જણાવ્યું છે કે, તેણીએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2019માં તેના લગ્ન ડીસા પંથકમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા જીગ્નેશ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય તેઓ વિસનગર રહ્યા હતા. બાદમાં પતિએ રાજકોટ મકાન ખરીદ્યું હોય જેના કારણે પોતે સાસુ-સસરા સાથે રહેતી હતી.
પતિ રજાના દિવસોમાં રાજકોટ આવતા રહેતા હતા. દરમિયાન લૉકડાઉન થતાં પતિ રાજકોટ આવી ગયા હતા. આ સમયમાં પતિ નાની નાની વાતોમાં ઝઘડો કરી ગાળો દેતા હતા. તેમજ માવતરે પણ જવાની ના પાડતા હતા. એટલું જ નહીં, હું ખાનગી શાળામાં નોકરી કરતી હોવાથી પગારના પૈસા પતિ તેમને આપી દેવાનું કહેતા હતા. આવું ન કરવા પર મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી તેવું કહેતા હતા.
સમગ્ર મામલે સાસુ પણ પતિનો સાથ આપીને કહેતા હતા કે, ઘરમાં પૈસા ન આપે તો અમારે આવી વહુ શું કામની? આવું કહીને સાસુ મ્હેંણા-ટોણા મારતા હતા. સમગ્ર બનાવ અંગે જ્યારે મેં મારા માતાપિતાને વાત કરી ત્યારે તેઓએ આ મુદ્દે મારા સાસુ સસરાને જાણ કરી હતી. આ મામલે મારા સાસુ-સસરાએ મારા માતાપિતાને કહ્યુ હતુ કે, મારા દીકરાનો સ્વભાવ તો આવો જ રહેશે. તમારી દીકરી નોકરી કરે છે તો પગાર અમને આપવો જ પડશે.