રાજકોટઃ પતિ પત્ની વચ્ચે થતી બોલાચાલ કે ઝગડાઓ ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. ક્યારેક ઝગડાઓ બાદ પતિની રિસાઈને પિયર જતી રહેતી હોય છે. રાજકોટ શહરેમાં પત્ની રિસામણે પીયર ચાલી ગઈ જે વાતનું ખોટું લાગતા ત્રણ સંતાનોના પિતાએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા ન્યુ હંસરાજ નગરમાં રહેતા પ્રવિણભાઇ પરબતભાઈ હીરાભાઈ લુંલાડીયા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. પ્રવીણભાઈ નામના યુવાને પોતાના ઘરે લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધા ની જાણ પરિવારજનોને થઈ હતી.
સમગ્ર મામલે બનાવની જાણ આજીડેમ પોલીસ સ્ટેશન અધિકારીઓને થતાં એ.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રવીણભાઈ શાકભાજીનો ધંધો કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. પ્રવીણભાઈ ને દારૂ પીવાની કુટેવ હોય જે બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તેમની પત્ની ત્રણ દિવસ પૂર્વે રિસામણે ચાલી ગઇ હતી. ત્યારે પાછળથી આ પ્રકારનું આપઘાતનું પગલું ભરી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ઘર કંકાસ ના કારણે આપઘાત તેમજ આપઘાતના પ્રયાસ ના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ દૂધની ડેરી પાસે અનવર સુલેમાન ઠેબાએ ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતા પરિવારે તાત્કાલીક 108 ની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી અનવરને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
તો બીજી તરફ સમગ્ર મામલે થોરાડા પોલીસને બનાવ અંગે જાણ થતાં થોરાડા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને થોરાળા પોલીસ અધિકારીઓ દ્વારા અનવર તેમજ તેના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.