જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજય બાદ કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ મશીનનું ગાણું ગાયું છે. જસદણની પેટાચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને હાલ ખેડુત વેદના પદયાત્રા કરી રહેલા હાર્દિક પટેલના રિએકશન કંઈક અલગ જ જોવા મળ્યા છે.
હાર્દિક પટેલે ભાજપ સરકારના મંત્રીઓ, IAS-IPS અધિકારીઓ અને પોલીસ તંત્રની ભૂમિકા સામે સવાલ ઉભા કર્યા હતા અને ભાજપન જીતને મોટી જીત ગણાવી ન હતી. હાર્દિકે કહ્યું કે ભાજપ સરકારે સમગ્ર પ્રશાસનને જસદણની ચૂંટણીમાં કામે લગાવી દીધું હતું અને તેમ છતાં વીસ હજારની લીડથી જીત મેળવી છે તે યોગ્ય કહેવાય નહીં. આટલી બધી મશીનરી કામે લાગી હોય તો કુંવરજી બાવળીયાની જીતની સરસાઈ વધુ હોવી જોઈએ અને જંગી માર્જિન હોવું જોઈએ.
હાર્દિક પટેલે ખેડુત વેદના પદયાત્રા દરમિયાન અમરેલીના બગસરા ખાતે પત્રકારો સાથે વાત કરી જસદણની ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જનાદેશને સ્વીકારવો જ પડે. ભાજપ સરકારે IAS-IPS અધિકારીઓને કામે લગાડ્યા, મંત્રીઓનો કાફલો જસદણમાં ડેરા-તંબુ નાંખી પડ્યો રહ્યો છતાં વીસ હજારની સરસાઈથી ભાજપ ચૂંટણી જીતી શક્યો છે. આ જીતને બહુ મોટી જીત માનવાની રહેતી નથી.
પાટીદાર અનાત આંદોલન સમિતિ દ્વારા ખેડુત વેદના યાત્રાને ટેકો આપવામાં આવી રહ્યો છે. સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા સહિતના પાસનાં આગેવાનો બગસરા ખાતે પદયાત્રામાં સામેલ થઈ રહ્યા છે. હાર્દિક પટેલે પણ જસદણના રૂપાવટી ગામમાં ખેડુત વેદના સંમેલન યોજ્યું હતું અને ભાજપના કુંવરજીને હરાવવા હાકલ કરી હતી.