રાજકોટના જસદણ તાલુકામાં રૂપાવટી ગામ ખાતે ખેડુત વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જસદણ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ખેડુત વેદના સંમેલનમાં હાર્દિક પટેલની હાજરીને લોકોએ તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમની શરૂઆત મનોજ પનારાએ કરી હતી. મનોજ પનારાએ કહ્યું કે અહીંયા માત્ર કેટલા વોટથી બાવળીયાના મૂળિયા ઉખેડવા છે તે નક્કી કરવા આવ્યા છે. પ્રજા સાથે સત્તા અને મંત્રી પદ હાંસલ કરનારા બાવળીયાને હરાવી દેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. મનોજ પનારા બાદ હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિજ્ઞેશ પટેલે પણ કુંવરજી બાવળીયાને હરાવી દેવા અપીલ કરી હતી.
જનમેદનીને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું કે આજે ખેડુતો દિવસેને દિવસે આત્મહત્યા કરે છે. પાણી પુરવઠો મળતો નથી. વીજળી મળતી નથી.વીમો લઈ લેવામાં આવે છે પણ પાકનો વીમો સમયસર આપવામાં આવતો નથી. આપણને ગુલામી કરવાની આદત પડી ગઈ છે. આપણને બોલવાની આદત નથી, તમારી આદત નથી એટલે અમારે બોલવું પડે છે.
હાર્દિકે કહ્યું કે સાહેબ શબ્દ આપણા માટે પીડાકારી છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. કુંવરજી 20 વર્ષથી જસદણના પ્રતિનિધિ છે. 20 વર્ષ જવા દો પણ પાછલા ત્રણ મહિનાથી તેઓ મંત્રી છે પરંતુ તેમણે શું કર્યું? કૃષિ મંત્રી બનીને બેઠેલા નેતા પણ ખેડુતોની પડી નથી.
હાર્દિકે કહ્યું કે જસદણની ચૂંટણી એ કોઈ ભાજપ-કોંગ્રેસની નથી પણ ખેડુતોના અધિકારોની છે. ચૂંટણીઓ થતી રહેશે પણ આપણે પોતે ક્યાં છે તે નક્કી કરવાનું છે. આખા રાજ્યમાં વિકાસની વાતો થાય છે પણ જસદણમાં વિકાસનો જન્મ થયો નથી. જસદણ-વીંછીયા સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવામાં આવે છે. પાંચ વિધાનસભાના પરિણામો આવ્યા, બધા કહે છે કે ભાજપ હારી ગયો કેમ કે ત્યાંની પ્રજા જાગૃત છે. આખી ભાજપ સરકાર અહીં બેઠી છે પણ કોઈ એમને પૂછતું નથી કે આજે જ જસદણ અને વીંછીયાનો વિકાસ કેમ થયો નહીં.
તેણે કહ્યું કે ખેડુતો રસ્તા પર આવીને અધિકાર મેળવવાનું ભૂલી ગયા છે. સીએનજીના ભાવમાં જરા અમથો વધારો થાય તો રીક્ષા બંધ થઈ જશે પણ ખેડુતને ભાવ નહીં મળે તો એ રસ્તા પર ઉતરશે નહીં. કોઈ એક શબ્દ બોલવા રાજી નથી. ગેસના બાટલાનો ભાવ વધી ગયો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રહે છે પણ કોઈ કશું બોલશે નહીં. ભાવ વધે તો મારા બાપાનું શું જાય. આવું કહેવામાં 27 વર્ષથી ગુજરાતનો વિકાસ થયો નથી.
હાર્દિકે કહ્યું કે કપાસની કિંમત 800 રૂપિયા છે પણ કોઈ બોલવા તેૈયાર નથી. સીંગતેલના ભાવ બજારમાં મોંઘા છે પણ ખેડુતને ભાવ મળતો નથી. નહેર હજુ પણ જસદણ અને વીંછીયામાં પહોંચી નથી. ભાજપ ભ્રષ્ટાચારમાં મસ્ત છે. સમાજ હિતની વાત કરવા નીકળ્યા હતા કે ત્યારે ખબર પડી કે માત્ર સમાજ નહીં પણ આખું ગુજરાત જ દુખી છે. 27 વર્ષથી ભાજપની સરકાર છે પણ ક્યારેય તેમની પાસેથી હિસાબ માંગ્યો નથી. દરેક ખેડુતના માથે લાખોનું દેવું છે.
હાર્દિકે કહ્યું કે ભાજપ ખેડુત વિરોધી સરકાર છે. હવે જવાબ માંગવાનો સમય આવી ગયો છે. યુવાનો આંદોલન કરે તો સેક્સ સીડી બનાવી લીધી. સરકાર સામે લડીએ છીએ તો અનેક સમસ્યા સહન કરીએ છીએ. અમદાવાદમાં મકાન ભાડે રાખ્યું તો મકાન માલિકને જેલમાં નાંખી દીધા. રાજદ્રોહના કેસ થયા, ફાંસીની સજા થઈ શકે છે.
તેણે કહ્યું કે ભાજપ કે કોંગ્રેસના ભજીયા ખાવા કરતાં નજર બાળકોના ભવિષ્ય પર રાખજો. હું 25 વર્ષનો છું. કોઈનો ભાઈ જેવો, દિકરા જેવો કે પૌત્ર જેવો છું. શું ભગવાને શ્રાપ તો નથી આપ્યો ને કે ખેડુતોએ આત્મહત્યા જ કરે. ભાજપની ખોટી નીતિઓના કારણે ખેડુતો આત્મહત્યા કરે છે. જો કશું નહીં બચે તો છેલ્લે ભાજપ હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરે છે. જસદણમાં જે ઉભા થયા છે તે રામ મંદિર બનાવવા માટે ગયા હતા ખરા તેવો પ્રશ્ન હાર્દિકે કર્યો હતો.
હાર્દિક પટેલે કહ્યું કે પંદર લાખ રૂપિયા હજુ મળ્યા નથી. કપડાના ભાવ વધે છે પણ કપાસનો ભાવ વઘતો નથી. એટલે વોટ આપતા પહેલાં આ બધી વાતોનું ધ્યાન રાખજો. રામ મંદિરના નામે હિન્દુ-મુસ્લિમ કરાવશે એ પણ ધ્યાન રાખજો. 20મી તારીખે ભાજપ વિરુદ્વ નહીં પણ ખેડુતોના વિરોધીઓ સામે છે.