મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજ્યૂએટ લેવલની NEETની પરીક્ષાના પરિણામ શનિવારે જાહેર થયા હતા. રાજ્ય અને રાજકોટ શહેર માટે ખુશીના સમાચાર છે કે, 1.28 લાખ વિદ્યાર્થીઓમાંથી રાજકોટના રચિત અગ્રવાલ પહેલા નંબરે આવ્યો છે. ગુજરાત તથા રાજકોટ માટે આ ખૂબ સન્માન તથા ખુશીની વાત છે. NEET 2018નું પેપર ખૂબ અઘરું હતું. આખા દેશમાં પ્રથમ ક્રમ મેળવનાર રચિત અગ્રવાલના પિતા આંખના ડોક્ટર છે. 1200 ગુણમાંથી તેને 975 ગુણ મળ્યા છે. ગુજરાતમાંથી આ સિદ્ધિ મેળવનાર પહેલો વિદ્યાર્થી છે રચિત. 7 જાન્યુઆરીના રોજ યોજાયેલ આ પરીક્ષા સમગ્ર દેશમાંથી 1.28 લાખ વિદ્યાર્થીઓએ અપાવી હતી, જેમાંથી 64 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
માત્ર 10 વિદ્યાર્થીઓ એવા છે જેમણે આ પરીક્ષામાં 1200માંથી 800થી વધારે ગુણ મેળવ્યા છે અને તેમાં રચિત 975 ગુણ સાથે પહેલા ક્રમાંકે છે. રચિતે પોતાની આ સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપ્યો હતો. રચિતનો ભાઇ રેડિયોલોજિસ્ટ છે અને તે પણ રેડિયોલોજિસ્ટ જ બનવા માંગે છે. રચિતે જણાવ્યું હતું કે, તેના પિતાના માર્ગદર્શન મુજબ સ્માર્ટવર્ક કરવાને કારણે તે આ સિદ્ધિ હાંસલ કરી શક્યો છે. રચિતના પિતા ડૉ. દિલીપ અગ્રવાલ રાજકોટની જાણીતી હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.