અમેરિકાના શિકાગોથી આવેલી રાજકોટની યુવતીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. આ યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ હોવાની માહિતી મળી રહી છે.
આ યુવતી વિરૂદ્ધ માલવીયા નગરમાં IPC 269,270,271,188 તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ-3 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ આ ફરાર યુવતીને શોધી રહી છે.
આરોગ્ય વિભાગે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ, રાજકોટમાંથી 11 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 8 નેગેટિવ અને 3 પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. 3 પોઝિટિવ કેસ આવ્યા તેમાં ગુરુવારે દુબઈથી આવેલા યુવાનના મિત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો છે. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તે બન્ને પણ દુબઈથી આવેલા યુવાનના મિત્ર જ છે. આમ દુબઇથી પરત રાજકોટ આવી યુવાને ચાર વ્યક્તિઓને ચેપ લગાડ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના 8 કેસ નોંધાયા છે, જ્યારે કુલ 37 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત રાજકોટ શહેરી વિસ્તારમાં 519 અને ગ્રામ્ય વિસ્તારના 127 મળી કુલ 646 લોકોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.