ભાવાંતર યોજનાની માંગ સાથે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માર્કેટયાર્ડમાં હડતાળ ચથાવતા રહી છે. રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટયાર્ડોમાં વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન સતત ચાલું રહ્યું હતું. જેમાં ખેડૂતોએ કૃષિમંત્રી આર.સી.ફળદુનું પૂતળું બાળી વિરોધ કર્યો હતો. કૃષિ મંત્રી આરસી ફળદુના પૂતળાને બાળવામાં આવ્યું હતું. પોલીસે કેટલાકની અટકાયત કરી હતી. ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ દિવસે દિવસે ઉગ્ર બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે હડતાળ ચાલુ છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલ 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા હડતાળ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસીએશન દ્વારા બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાયો છે. ભાવાંતર યોજના લાગુ નહીં કારાઈ ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રાખવામાં આવશે.
સૌરાષ્ટ્રના 24 યાર્ડ દ્વારા બંધ પાળી હડતાળમાં સમર્થન આપવામાં આવ્યું છે. અગાઉથી યાર્ડમા ખેડૂતો દ્વારા રાખવામાં આવેલ માલની હરાજી ચાલુ છે. નવા માલની આવક તમામ માર્કેટ યાર્ડમાં બંધ રાખવામાં આવી છે. ગઇકાલે પણ હડતાળના લીધે ખેડૂતોને મોટી હાલાકી પહોંચી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે બંધ બારણે બેઠક યોજાઇ. જેમાં યાર્ડના ચેરમેન, સત્તાધીશો અને વેપારી એસોસિએશનની બેઠક થઇ. કહેવાય છે કે આ બંધ બારણે બેઠકમાં ઉગ્ર બોલાચાલી પણ થઇ છે. લાભપાંચમથી યાર્ડ શરૂ કરવાનું યાર્ડના ચેરમેને નિવેદન આપ્યાની ચર્ચા છે. તેમજ એ વાત પણ સામે આવી છે કે સરકાર સાથે મંત્રણા બાદ હડતાલ સમેટવા વેપારી એસો. વિચારણાં કરશે.