લોકસભા ચૂંટણી પહલાં દિલ્હીથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય સુધી દરેક જગ્યાએ ખુરશીની ચર્ચા ચાલી રહી છે. દિલ્હીની ખુરશી પર 2019માં કોણ બેસશે તેને લઈ શેરીને ચૌટે ચર્ચા ચાલે છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ભારે હોડ ચાલી રહી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે કાર્યભાર સંભાળ્યો. તેમના કાર્યભાર સંભાળતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુનિત નગર સર્કલ પર પંદર ફૂટ ઊંચી ખુરશી મૂકી છે. આ ખુરશી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ચારે તરફ આ ખુરશીની ચર્ચા થઈ રહી છે.
સિમ્બોલ ઓફ રિફ્લેક્શન(પ્રતિબિંબનું પ્રતિક) અંતર્ગત આ ખુરશીને મૂકવામાં આવી છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર બચ્છાનિધિ પાણીએ કહ્યું કે સિમ્બોલ ઓફ રિફલેક્શન એટલે જનભાગીદારીના બે દિવસ પહેલાં ખુરશીને સર્કલ પર મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંગર્તગ રાજકોટમાં 50થી વધુ સર્કલને જનભાગીદારી(પીપીપી)યોજના હેઠળ અલગ અલગ થીમ સાથે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટી બચાવો, સ્વચ્છતા સંદેશ, બ્લડ ડોનેશન જેવા સમાજોપયોગી મેસેજ સાથ સર્કલને વિકસિત કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં હાલ 40 કરતાં વધુ સર્કલ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે 10ના કાર્યો ચાલી રહ્યા છે. બાકીના 10 સર્કલ પણ આગામી દસથી પંદર દિવસમાં તૈયાર થઈ જશે. આની સાથો સાથ મ્યુનિ.કમિશનરે કહ્યું કે ખુરશી દેશ ભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં સત્તાની ખુરશી હાંસલ કરવા માટે રાજકીય પક્ષોની પડાપડી જોતાં હાલના માહોલને અનુરૂપ પણ ખુરશીને જોવામાં આવી રહી છે.એક ખુરશીએ રાજકોટમાં ચૂંટણીનો માહોલ ઉભો કરી દીધો છે.