પાછલા કેટલાક વખતથી રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થાય તેના માટે કરવામાં આવેલી માંગણીઓને આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પડઘો પાડવામાં આવ્યો હતો. વડોદરા, અમદાવાદ અને સુરતને પાછળ છોડીને કેન્દ્ર સરકારે રાજકોટને એઈમ્સની ગિફટ આપી છે. હવે રાજકોટમાં એઈમ્સની સ્થાપના થશે. ગંભીર પ્રકારની બિમારી માટે દર્દીઓ અને સગાવહાલાઓને દિલ્હી સુધી લંબાવવાની જરૂર પડશે નહીં. એઈમ્સની ફાળવણીના સમાચાર મળતા રાજકોટમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરતાં કહ્યું કે રાજકોટમાં એઈમ્સની સ્થાપના થશે ત્યારે ગંભીર બિમારી માટે દર્દીઓ અને સગા-વહાલાઓને દિલ્હી સુધી લંબાવવામાંથી મૂક્તિ મળી જવાની છે. એઈમ્સમાં અલગ અલગ ફેકલ્ટીઓ અને અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુવિધા પણ આપવામાં આવશે.
વડોદારામાં શા માટે એઈમ્સની પસંદગી ન થઈ તે અંગે પૂછતા તેમણે કહ્યું કે એઈમ્સ માટે બનેલી કમિટીએ તમામ પાસાઓને અભ્યાસ કરીને નિર્ણય કર્યો હશે. જોકે, તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો તે અંગે નીતિન પટેલ શ્યોર ન હતા અને એટલે જ તેમણે અભ્યાસ કર્યો હશે જેવું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે વડોદરા અને રાજકોટની માળખાકીય સવલતો અને જમીનોના અભ્યાસ કર્યા બાદ જ કમિટીએ નિર્ણય કર્યો હશે. ભારત સરકારે સ્થળની પસંદગી કરવા માટે ચોક્કસપણ ચિવટાઈ રાખી હશે અને ત્યાર બાદ જ રાજકોટને એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હશે.
કેટલાક ધારાસભ્યો અને સંસદસભ્યો દ્વારા વડોદરામાં એઈમ્સનું નિર્માણ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી હોવા અંગે નીતિન પટેલ કહ્યું કે દરેકને લાગણી હોય કે અમારા વિસ્તારમાં એઈમ્સ આવે પણ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હશે.