જામનગર-રાજકોટ ધોરીમાર્ગ આજે સવારે ચાર ચાર વ્યક્તિના મૃત્યુના કારણે રક્તરંજિત બન્યો છે. જામજોધપુરથી એક યુવાનને સારવાર માટે લઈ જતી વખતે ઇકો કારના ચાલકને ઝોકુ આવી જતા સોયલ નજીક નદીની કેનાલમાં ઇકો કાર ખાબકી હતી. જે દુર્ઘટનામાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે. જોધપુર તાલુકાના ઝીણાવારી ગામના એક યુવાનને વાલની બીમારી હોવાથી તેને વહેલી સવારે જામજોધપુરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો. જેને તેજ ગામના હરેશ અરજણભાઈ કરચીયા નામના ઇક્કો કારના ચાલકે જી જે 10 ટી વી 8517 નંબરની ઇકો કારમાં બેસાડી જામજોધપુરથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે રસિકભાઈ જીવણભાઈ કદાવલા, નારણભાઈ કરસનભાઈ સોમાત અને ટપુ ભાઈ કાનાભાઈ કારેણા વગેરે જોડાયા હતા. જે ઇકો કાર આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સોયલ ટોલનાકા નજીક પહોંચતા ઊંડ નદીની કેનાલના પુલિયા ઉપર ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઇકો કાર પુલિયા પરથી નીચે ખાબકી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જે દુર્ઘટનામાં ઈકો કારના ચાલક હરેશ અરજણભાઈ તેમજ રસિક નારણભાઈ, નારણભાઈ કરસનભાઈ અને ટપુ ભાઈ કાનાભાઈ ચારેયના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય એક યુવાન ધીરૂભાઈ ભીમાભાઈ કદાવલાને ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી 108ની ટીમ દ્વારા તેને ઇકો કારમાંથી બહાર કાઢી સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જામ પણ થયો હતો. ધ્રોલ પોલીસની ટુકડી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. આ બનાવને લઇને જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.