રાજકોટઃ નાની બાળકીઓ હવસકોરોનો શિકાર બનતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે રાજકોટમાં પણ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં પડોશમાં રહેતા એક યુવકે સાત વર્ષની બાળકી સાથે વિકૃત હરકતો કરી હોવાની ઘટના બની હતી. બાળકી જેને મામા કહેતી એ જ પડોશી યુવકે શરમજનક હરકતો કરતા હોવાનું જાણતા માતા-પિતાને આઘાત લાગ્યો હતો. જોકે, માતાની ફરિયાદ બાદ પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.
રાજકોટમાં રહેતી 27 વર્ષની મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી 27 વર્ષીય અલ્પેશ વાલજી પટેલનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ કારખાનું ચલાવે છે, અને સંતાનમાં બે પુત્રી છે. પંદર દિવસ પૂર્વે પોતાની બંને પુત્રીને લઇને પિયર ગયા હતા, બપોરના સમયે સાતવર્ષની મોટી પુત્રી તેમની પાસે આવી હતી અને મોબાઇલ માગ્યો હતો. પુત્રી મોબાઇલમાં ગેમ રમશે અથવા તો કાર્ટૂન જોશે તેમ સમજી મહિલાએ પોતાનો મોબાઇલ આપ્યો હતો અને તે મોબાઇલ લઇ બાળકી રૂમમાં જઇ મોબાઇલ સાથે રમવા લાગી હતી.
માસૂમ બાળકીને ખરાબ વીડિયો નિહાળતા જોઇ તેની માતાની હાલત કફોડી બની ગઇ હતી, અને તેણે બાળકીને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં બાળકી પાડોશીની વિકૃતિનો ભોગ બની હોવાનું ખુલ્યું હતું. બાળકીએ તેની માતાને કહ્યું હતું કે, તેની પાડોશમાં રહેતા અને બાળકી જેને મામા તરીકે બોલાવતી હતી તે અલ્પેશ મામા ઘરે રમવા બોલાવતા હતા અને તેના મોબાઇલમાં ખરાબ વીડિયો બતાવતા હતા, તે વીડિયો યૂ ટ્યૂબ પર કેવી રીતે સર્ચ કરાય અને કેવી રીતે તેને ડિલીટ કરાય તે પણ શીખવ્યું હતું. મહિલા પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી અલ્પેશ પટેલને ઉઠાવી લીધો હતો.
કોઇ માનસિક વિકૃત વ્યક્તિની કુચેષ્ટા અટકાવી શકાશે નહીં, તે તેના વિચારો મુજબ કરતૂત કરશે, આવા સંજોગોમાં મા-બાપે તેમના સંતાનોને ગુડટચ અને બેડટચ કોને કહેવાય તે અંગે માહિતગાર કરવા પડશે, કોઇ વ્યક્તિ સહાનુભૂતિ કે પ્રેમ દર્શાવે ત્યારે તે ક્યાં અને કેવી રીતે ટચ કરે છે તેની સમજણ બાળકને પડવી જોઇએ, તે વ્યક્તિ બહારનો હોય કે સંબંધી પણ જ્યારે ખરાબ રીતે અડે ત્યારે બાળક તેનાથી દૂર થઇ જાય તેવી સમજણ આપવી પડે.
બાળકોને મોબાઇલ જેવા ગેજેટ્સ આપતા પહેલા પણ તે ગેજેટ્સનો કેવો ઉપયોગ કરવો તેની સમજણ પણ આપવી આવશ્યક છે. મા-બાપે પણ તેમના બાળકો તેમની સમક્ષ કોઇપણ સ્થિતિમાં વાતચીત કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવું જોઇએ તો જ આવી ઘટના અટકી શકે.