ગુજરાતની ભાજપ સરકાર માટે ખરાખરીના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યે જે આંકડા મળી રહ્યા છે પ્રમાણે જસદણની પેટાચૂંટણીમાં સરેરાશ 73 ટકા વોટીંગ થયું હોવાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે. ચાર વાગ્યા સુધી 65 ટકા વોટીંગ હતું અંતિમ એક કલાકમાં વધીને પાંચ ટકા વોટીંગ થયું હોવાનું ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે. હવે 23મી તારીખે મતગણતરી કરવામાં આવશે.
એક વર્ષ પહેલાં એટલે કે ડિસેમ્બર-2017ની વાત કરીએ તો જસદણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 73.44 ટકા વોટીંગ થયું હતું. જ્યારે એક વર્ષના સમય બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ 73 ટકા વોટીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 2017માં કુંવરજીની સામે ભાજપના હાલના સાંસદ ભરત બોઘરા ઉમેદવાર હતા અને ભરત બોઘરાને કુંવરજીએ પરાજિત કર્યા હતા.
જસદણ શહેરમાં 64 ટકા, ધાંગધ્રામાં 60, વિંછીયામાં 68.07, તાલુકામાં 63.83, કમળાપુરમાં સરેરાશ 65, ગોખલાણામાં 60, પાંચવડામાં 50 ટકા, ખાંડાધારમાં 70, ચિતલિયામાં 46, આંબરડીમાં 55, કોઢીમાં 55, પાંચવડામાં 50, મોઢુકામાં 58 ટકા વોટીંગ નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસે અવસર નાકીયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે જ્યારે ભાજપમાંથી મંત્રી પદ માટે કોંગ્રેસ છોડીને ગયેલા કુંવરજી બાવળીયાને ઉભા રાખવામાં આવ્યા છે. બન્ને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. બન્ને ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.