તાઉ-તે વાવાઝોડું ગુજરાત માં ત્રાટકશે તે વાત ને લઈ તંત્ર એક્શન મોડ માં આવી ગયુ છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારના 242 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સમુદ્ર કિનારેથી નજીકના અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટમાં છે અને અહીંથી જ PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે.
રાજકોટમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એન્જિનિયરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. 12 જિલ્લામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે.
વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 550 ટીમ રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથ સહિતના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે અને એક ખાસ કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યો છે જેનું મોનિટરિંગ ખુદ ઊર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા કરવામાં આવશે. PGVCLની 270 ટીમ અને આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતી 280 ટીમને તૈનાત કરી ફિલ્ડમાં રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં એક ટીમની અંદર એક ડેપ્યુટી એન્જિનિયર અને 3 લાઇનમેનનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.