સુરત માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર સુરત મહાનગરપાલિકામાં પોલીસ દ્વારા કરાયેલા અમાનવીય વર્તન અને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ભાવનગર આપ મહિલા પાંખ અને આપના તમામ કાર્યકરો દ્વારા ઘોઘા ગેઇટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
ભાવનગર શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે આપ મહિલા પાંખ અને આપના તમામ કાર્યકરો દ્વારા સુરત મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર સાથે અમાનવીય વ્યવહાર વર્તન અને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરાતા પોલીસ દ્વારા આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આપના ભાવનગર શહેર પ્રમુખ હરદેવસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ અશોકગોહેલ, સંગઠન મંત્રી કૌશિક ભટ્ટ, સોશિયલ મીડિયા પ્રભારી હાર્દિક ડાંખરા અને મહિલા પાંખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને સુરત માં આપ ના કાર્યકરો સાથે થયેલી વર્તણૂક નો વિરોધ કરાયો હતો.