રાજકોટ સિવિલના કોવિડ વોર્ડમાં સારવાર માટે દાખલ થયેલા પ્રૌઢા ઉપર અડધી રાત્રે લાઈટ બંધ કરી હોસ્પિટલના એટેન્ડન્ટે દર્દી ની બાજુમાં સુઈ જઇ બળાત્કાર આચર્યાની ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી હતી જે કેસ માં પોલીસે આરોપીની ઓળખ મેળવી લઇ તેને ઝડપી લીધો હતો અને તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા શરમ વગર ના કાળમુખા ની ધરપકડ કરી હતી.
વિગતો મુજબ રાજકોટ શહેરમાં રહેતા 55 વર્ષના પ્રૌઢાને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેઓ ને ગત તા.28ના રોજ સિવિલના કોવિડ બિલ્ડિંગના ચોથામાળે બી વિંગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રૌઢાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમને શ્વાસ લેવાની તકલીફ યથાવત્ હોવાથી વોર્ડમાં દાખલ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તા.29ની રાત્રે 1.30 વાગ્યે પ્રૌઢા પોતાના બેડ પર બેઠા હતા તે સમયે હોસ્પિટલનો એટેન્ડન્ટ હિતેષ ભાઈ વિનુભાઈ ઝાલા નામનો કર્મચારી પીપીઇ કિટ પહેરીને તેમની પાસે આવ્યો હતો અને કેમ બેઠા છો તેમ પૂછતાં પ્રૌઢાએ માથું અને પીઠ દુ:ખતી હોય જાગતા હોવાની વાત કરી હતી.
દરમિયાન હિતેષે તમને માથું દબાવી દઉં તેમ કહી લાઇટ બંધ કરી દીધી હતી અને બેડ પર પ્રૌઢાની બાજુમાં સુઈ જઇ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરી હિતેષ નાસી ગયો હતો બીજી તરફ નરાધમ પોતાનું પાપ છુપાવવા માટે રાત્રે કોઇ ઇન્જેક્શન આપીને મારી નાખશે તેવા ભયથી પ્રૌઢા આખીરાત ધ્રુજતા રહ્યા હતા. બીજા દિવસે સવારે પ્રૌઢાએ તેમના પરિવારજનોને ફોન પર વાત કરતા નરાધમનો ભાંડો ફૂટી ગયો હતો. કોવિડ વોર્ડમાં પ્રૌઢા પર દુષ્કર્મની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી હિતેષની ઓળખ મેળવી લઇ તેને સકંજામાં લીધો હતો.
શનિવારે હિતેષ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ સહિતના સ્ટાફે આરોપી હિતેષની ધરપકડ કરી હતી, આરોપીનું તબીબી પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. આરોપીના તેમજ ભોગ બનનાર પ્રૌઢાના કપડાં પોલીસે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા હતા. આમ આખરે એક નફ્ફટ ઈસમ ની પોલીસે ધરપકડ કરી હતી.