રાજકોટમાં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બનવા જઈ રહયો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ ડેવલપ થઇ રહ્યો છે, શહેરના કેકેવી હોલથી આગળ મોટામવા સ્મશાન અને ત્યાંથી અવધ રોડ સુધી 5 કિમીના રોડને 45 મીટર પહોળો કરી સિક્સલેન બનાવવા ચક્રો ગતિમાન કરાયા છે. આ ડેવલપમેન્ટમાં 120 મિલકત કપાતમાં જશે જે તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરીંગ થશે. હાલ આ રોડ 30 મીટરનો છે તેને જ 15 મીટર વધુ પહોળો કરાશે.
રાજકોટના કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા વકરતા કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.
હાલ કેકેવી હોલ ખાતે બ્રિજ ઉપર બ્રિજની કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્ર કામે લાગ્યુ છે, આ બ્રિજ બનવાથી પણ લોકોને ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ રાજકોટના કાલાવડ રોડને પહોળો કરવાં માટે કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટામવાથી અવધ રોડ સુધીનો રસ્તો હાલ 30 મીટરનો છે. સિક્સલેન બનાવવા માટે 45 મીટર પહોળો કરવામાં આવશે. તેના માટે હયાત રોડની પહોળાઇ વધારીને વાઇડનિંગ અને મેટલિંગ કામ કરાયા બાદ ડામરથી બનાવવામાં આવશે.