કોરોના ની હાડમારી વચ્ચે એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે તે સાંભળતા જ દિલ દ્રવી ઉઠે છે રાજકોટ માં બનેલી આવાજ પ્રકાર ની ઘટના માં હાલ લોકડાઉન ની સ્થિતિ માં રોડ પર પડેલા શ્રમિક પરિવાર ની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે અને 108 ની રાહ જોવાય તેવું પણ નહતું તેથી પરિવારજનો બેબાકળા બની ગયા, શ્રમિક પરિવાર પાસે વાહનની કોઇ વ્યવસ્થા નહોતી અંતે રોજીરોટીનું માધ્યમ લારી જ એકમાત્ર વાહન હતું. પ્રસૂતાને લારીમાં સુવડાવી એક કિલોમીટર સુધી પરિવારજનો તેને લઇ ગયા હતા ત્યાં રસ્તા માંજ મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો.
રાજકોટ ના રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા અને ભંગારની ફેરી કરતાં પ્રકાશ દેવીપૂજકની પત્ની દાળમબેનને મંગળવારે મધરાતે 1.30 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી, દાળમબેનને તાકીદે હોસ્પિટલે લઇ જવા હતા પરંતુ મધરાતે ઝૂંપડાં પાસેથી કોઇ વાહન મળે તેમ નહોતું, ત્યારે જ વિચાર આવ્યો કે એક કિલોમીટર દૂર આવેલા પાણીના ટાંકા પાસેના મુખ્યમાર્ગ સુધી દાળમબેનને પહોંચાડી દેવાય તો રિક્ષા મળી જાય એ સાથે જ પ્રકાશ અને અન્ય લોકોએ દાળમબેનને રેંકડીમાં સુવડાવી રેંકડી મુખ્ય રસ્તા પર દોડાવી હતી. દશેક મિનિટમાં દેવીપૂજક પરિવાર રૈયાધારના મુખ્યમાર્ગ પાણીના ટાંકા પાસે પહોંચ્યો હતો ત્યારે જ દાળમબેને રેંકડીમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થઇ જતાં થોડીવાર બાદ પરત પોતાના ઝૂંપડે પાછા વળી ગયા હતા. લોકડાઉનને કારણે ધંધા બંધ થઇ જતાં દેવીપૂજક પરિવાર નિરાધાર થઇ ગયો હતો, કોઇ સેવાભાવી કાર્યકર ભોજન કે અનાજ આપી જાય ત્યારે પેટ નો ખાડો પૂરાતો હતો આ સ્થિતિમાં પ્રસૂતા દાળમબેનને શીરો ક્યાંથી આપવો તે મુંઝવણ ઉભી થઇ હતી. દરમ્યાન આ અંગે ઝૂંપડાની નજીક આવેલા મંદિરના પૂજારી સેવાભાવી ભરતભાઇ ધોળકિયા ને વાત કરાતા તેઓએ પ્રસૂતા માટે સીરો મોકલાવ્યો હતો અને અઠવાડિયા સુધી ભોજન આપવાની વાત કરી હતી. આમ એક શ્રમિક પરિવાર ને હૂંફ મળી હતી અને પ્રસૂતા ને આરામ સાથે પૂરતું ભોજન પણ મળી રહેશે.
