રાજકોટ ના કુવાડવા રોડ ઉપર રાત્રિના 11 વાગ્યા ના અરસા માં એક ઝૂંપડા માં ભીંષણ આગ ફાટી નીકળતા સાત વ્યક્તિ દાઝી ગયા છે જેઓ ને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં બે બાળકી અને યુવતીની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના માં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉ.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉ.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉ.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉ.વ.8), રૂપા સુનિલભાઈ સોલંકી (ઉ.વ.26) દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જયાં પૂરી, પ્રિયા અને ભાવુબેનની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, ઝૂંપડામાં લાઈટ ન હોવાથી દીવો સળગાવીને રાખ્યો હતો અને દીવો નીચે પડતાં ઝૂંપડામાં રહેલા ઘાસના કારણે આગ ભભૂકી ઊઠી હતી જ્યારે બીજું નિવેદન એવું પણ બહાર આવ્યું છે જેમાં
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલા ના જણાવ્યા મુજબ અહીં રહેતા સુનિલ અને ચંગો મોડીરાત્રે જયારે ઝુંપડા માં આવ્યા ત્યારે તેઓ એક જવલનશીલ પદાર્થ ભરેલો કેરબો લઈને આવ્યા હતા અને આ કેરબો કેટલો ભરેલો છે જે જોવા માટે બેમાંથી એક વ્યક્તિએ માચીસ કાઢીને દીવાસળી સળગાવતા કેરબા માં આગ લાગી હતી. પરંતુ, સત્ય હકીકત શું છે તે તો ફોરેન્સિક રિપોર્ટ બાદ જ ખબર પડશે.
