રાજ્ય માં આજે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે ઘોડે ચડી વિવિધ વોર્ડમાં સાયકલ ફેરવીને અનોખો વિરોધ કર્યો હતો. બીજી તરફ પોલીસે મંજૂરી નહીં આપતા અગાઉ થી જ ઘર્ષણ ની સંભાવના હતી તે મુજબ થયું હતું.
રાજકોટ માં આજે કોંગ્રેસના કાર્યકરોએ ઘોડા પર ચડી અને સાયકલ ફેરવીને વિરોધ કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી અગ્રણીને બળજબરીથી ઘોડા પરથી ઉતારવામાં આવતા કોંગી અગ્રણી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવાએ શર્ટ કાઢી ઘોડા પર ચડી વિરોધ વ્યકત કર્યો હતોઅને મહિલા કોંગ્રેસ દ્વારા પણ રાજકોટ ના ત્રિકોણબાગ ખાતે વિરોધ કરી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગી મહિલાઓની અટકાયત કરી હતી. આ સાથે જ કોંગી મહિલાઓ ઘોડાગાડી લઈને જનરલ બોર્ડમાં પહોંચી હતી અને પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિરોધ કર્યો હતો. આમ કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા અટકાયત કરાઇ રહી હોવાના અહેવાલ છે.
