રાજકોટ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને હવે છેક ગામડાઓ સુધી સંક્રમણ ફેલાઈ જતા ગોંડલ તાલુકાના 24 ગામમાં આજથી 10 દિવસ સુધી 24 કલાક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાતા ગામડા સુમસાન બન્યા છે.
ગોંડલ તાલુકામાં વધતા કેસોને ધ્યાને લઇ તમામ ગામના સરપંચોએ સ્વયંભૂ લોકડાઉન કરવા સહમતિ બાદ આ નિર્ણય લેવાયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકા ભાજપના આગેવાન મનોજભાઈ અકબરીએ એક નિવેદન માં જણાવ્યું છે કે, હાલ ગોંડલ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કોલીથડ જિલ્લા પંચાયત સીટ નીચે આવતા 24 ગામમાં આજથી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. સંપૂર્ણ લોકડાઉનથી ગામડાઓ રસ્તા સુમસામ બન્યા છે.
24 ગામના સરપંચો, ભાજપના આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી અગ્રણીઓની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કોલીથડ જિલ્લા પંચાયત સીટની નીચે આવતા 24 ગામમાં આજથી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાની ગઇકાલે જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે તમામ ગામના લોકો આજે સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયા છે. આજે આ તમામ ગામના લોકો કામ સિવાય બહાર નીકળતા નથી. બહાર જવું હોય તો ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવે તેવો નિયમ પણ બનાવ્યો છે.
ગોંડલ તાલૂકા ના જે 24 ગામમાં લોકડાઉન છે જેમાં જામવાડી, કોલીથડ, આંબરડી, વંથલી, બેટાવડ, હરમડિયા, ગરનાળા, હડમતાળા, લુણીવાવ, ભુણાવા, મોટા મહીકા, નાના મહિકા, સેમળા, સડક પીપળીયા, ભરૂડી, પાટીયાળી, સીંધાવદર, વાડધરી, દાળિયા, રીબડા, રીબ, ગુંદાસરા, અને મૂંગા વાવડીનો સમાવેશ થાય છે. આ ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનું પાલન થાય તે માટે આગામી દસ દિવસ માટે સંપૂર્ણપણે 24 કલાક લોકડાઉન લગાવવામાં આવ્યું છે આમ હવે ગામડાં ના લોકો માં પણ જાગૃતિ આવતા કોરોના ને કાબુ માં કરવા અહીં સરળતા થશે.