રાજકોટ-વાંકાનેર રોડ પર પીપરડી ગામ પાસે આવેલી કેમિકલ બનાવતી ફેક્ટરીમાં સોમવારે રાતે બોઇલર ફાટતાં ચાર શ્રમિકો ના મોત થયા બાદ હવે આ ઘટના માં ફેકટરી ના ત્રણ માલિકો સામે પોલીસે ગુનો નોંધી લોકઅપ માં ધકેલી દીધા હતા. ખેરવા ગામ પાસે આવેલા પીપરડી ગામ નજીક દેવ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા બોઇલરમાં ઓવરહીટિંગ થતા સોમવારે રાતે સાડા આઠ વાગ્યે ધડાકો થયો હતો. ધડાકાની સાથે જ ફેક્ટરીમાં કામ કરી રહેલા ચાર શ્રમિકનાં મોત નીપજ્યા હતા. જ્યારે નવ શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ એફએસએલ, મોરબીના ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબીના અધિકારીઓ ફેક્ટરી દોડી ગયા હતા. અને બોઇલર ફાટવાનું કારણ શું, ફેક્ટરીનું લાઇસન્સ હતું કે કેમ તે સહિતની તપાસ ચાલુ થઈ છે. આ ઘટનામાં 4 શ્રમિકનાં મોત થતા દેવ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દેવેશ કારિયા, હાર્દિક પટેલ અને સંજય તૈલી સામે ઇજાગ્રસ્ત વિજયકુમાર રામબાબુ મહતોની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય ની ધરપકડ કરી હતી.
