રાજકોટ સિવિલ માં દાખલ દર્દીને બ્લેક માં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચવાના નામે રૂ.42 હજારથી 45 હજાર સુધીની રકમ માગવાના મામલામાં મયૂર નામનો ઈસમ ઝડપાયો છે, મયૂરે આપેલી ચોંકાવનારી કબૂલાત માં તે ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને આવા ગોરખ ધંધા કરતો હોવાનું જણાવ્યું હતું.
અને તેઓ ના કહેવાથી દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યો હતો, પોલીસે મયૂરની કેફિયત પરથી સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરી હતી, સંજય હાથ આવ્યા બાદ આ મામલાની વધુ હકીકત બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
કોરોનાની કપરી સ્થિતિમાં પણ લેભાગુ તત્ત્વો જરૂરતમંદો પાસેથી પૈસા કમાવા ના તિકડમ કરે છે, આવા જ એક કિસ્સામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના સંબંધી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે ભાજપના આગેવાન સહિત બે શખસે રૂ.45 હજાર પડાવવા પ્લાન કર્યો હતો. જોકે દર્દીના સંબંધીઓને શંકા જતાં ભાંડો ફૂટી ગયો હતો, પોલીસે એક શખસને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરતા હવે આખું રેકેટ બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ મહિલા દર્દીના સંબંધીના મોબાઇલ પર સોમવારે એક શખ્સનો મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તમારા દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાની જરૂર છે અને તે માટે રૂ.42 હજારથી 45 હજાર સુધીનો ખર્ચ થશે, જો તમારાથી વ્યવસ્થા ન થાય તો અમારા સંપર્કથી અમે વ્યવસ્થા કરી આપીશું, પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે સંબંધીઓ ઇન્જેક્શન અપાવવા તૈયાર થઇ ગયા હતા, આ મામલે હજું કંઇ થાય તે પહેલા મંગળવારે સવારે મેસેજ કરનારે ફોન કરીને કહ્યું હતું કે, તમારા સંબંધીને બાટલામાં ઇન્જેક્શન અપાઇ ગયા છે અને પૈસા આપી જજો.
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બાટલામાં નહીં પરંતુ દર્દીને સીધું અપાતું હોય સંબંધીઓને શંકા ઊઠી હતી અને મહિલા દર્દીને આ અંગે પૃચ્છા કરતાં દર્દીએ કોઇપણ પ્રકારનું ઇન્જેક્શન અપાયાનો ઇનકાર કર્યો હતો. કોઇ ચીટરે પૈસા પડાવવા ખેલ કર્યાની શંકા દૃઢ થતાં દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા કલેક્ટર તંત્રના કર્મચારીઓ અને પોલીસને જાણ કરતાં આવા તત્ત્વોને પકડવા માટે પ્લાન ઘડ્યો હતો. દર્દીના સંબંધીએ ઇન્જેક્શનના રૂ.45 હજાર લઇ જવા માટે ફોન આવ્યો હતો તે નંબર પર ફોન કર્યો હતો અને પૈસા લેવા ટ્રોમા સેન્ટર પાસે આવવાનું કહ્યું હતું, બીજીબાજુ પોલીસ ખાનગી ડ્રેસમાં ટ્રોમા સેન્ટર પાસે ગોઠવાઇ ગઇ હતી. ફોન કરનાર શખ્સ આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો જેનું નામ મયુર હોવાનું ખુલ્યું છે અને તે ભાજપ ના અગ્રણી સંજય ગોસ્વામી માટે કામ કરતો હોવાની કબૂલાત ના આધારે પોલીસે આગળ વધુ તપાસ શરૂ કરી છે.