રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં બનાવવામાં આવેલા સિવિલ હોસ્પિટલના કોરોના કન્ટ્રોલરૂમમાં ચાર દિવસથી આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપી હોસ્પિટલ સ્ટાફ પર રોફ જમાવનાર ખાનગી કંપનીના ન્યુટ્રિશિયન ઓફિસરને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પકડી લઈ જેલભેગો કર્યો હતો અને આરોપીએ બનાવેલું નકલી ઓળખકાર્ડ પણ પોલીસે જપ્ત કરી બીજા કોઈ કાંડ કર્યા છે કે કેમ તે દિશા માં તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં બનાવવામાં આવેલા કોવિડ કન્ટ્રોલરૂમમાં ચાર દિવસથી 24 વર્ષનો એક યુવક આવે છે અને પોતાની ઓળખ આઇપીએસ અધિકારી તરીકે આપે છે, તેવી માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજા સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં આ યુવાન દેખાતા પોલીસે તેની પૂછપરછ કરતાં તે શખ્સે પોતાની ઓળખ મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ અધિકારી તરીકે આપી આઇકાર્ડ પણ બતાવ્યું હતું, જોકે તેની વાતચીત શંકાસ્પદ લાગતા તેને ક્રાઇમ બ્રાંચે લઇ જવાયો હતો અને પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં તે શખ્સે પોતે શ્રોફ રોડ પર કિતાબઘર પાસેના મંગલમ એપાર્ટમન્ટમાં રહેતો સંકેત રાજકુમાર મહેતા (ઉ.વ.24) હોવાની સાચી ઓળખ આપી હતી.
પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલા સંકેત મહેતાએ કબૂલાત આપી હતી કે, પોતે બીએસસી બાયો ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે અને જામનગર નેસ્લે ઇન્ડિયા કંપનીમાં ન્યુટ્રિશિયન ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે, તેના બનેવીના કાકા સંજયભાઇને કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હોસ્પિટલમાં દર્દીનો ધસારો હોય સંબંધીને સારી સારવાર મળી રહે, તબીબો અંગત ધ્યાન આપે અને લાઇનમાં ઊભવું પડે નહીં તે માટે નકલી આઇપીએસ અધિકારી બનવાનો વિચાર આવ્યો હતો, તે માટે લેપટોપમાં ગૂગલ સર્ચ કરી ઓનલાઇન સિમ્બોલ મેળવી આઇપીએસ અધિકારી તરીકેનું નકલી ઓળખકાર્ડ બનાવી લીધું હતું અને તે કાર્ડ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ કન્ટ્રોલ રૂમમાં બતાવી રોફ જમાવતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.