રાજકોટ શહેરના પ્રહલાદ પ્લોટમાં છેતરપિંડીના આરોપી ધર્મેશ બારભાયા ની તપાસ માટે ગયેલા પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલ મંઢને પરિવારજનોએ ચાલાકી થી ઘર માં બોલાવી અંદર પુરી દઈ સતત બે કલાક સુધી ઘરમાં ગોંધી રાખી માર મારી કુકડા બનાવ્યા હતા. પરિવારજનો એ બન્ને પોલીસ જવાનો ને બરાબર નો માર મારતા ફોજદાર બેભાન થઈ સેટી પર ઢળી પડ્યા હતા. પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલ મહેશ મંઢ આરોપી ધર્મેશની શોધમાં જતાં જ પરિવારજનોએ ચાલાકીથી તેમને ઘરમાં બોલાવ્યા હતા અને ઘરમાં જતાં જ ડેલી બંધ કરી દીધી હતી.
બાદમાં પરિવારના 15 સભ્યે પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલને ઘેરી લઇ મારઝુડ કરી તેનો વીડિયો પણ બનાવ્યો હતો જેમાં બારભાયા પરિવાર એવું કહેતો નજરે પડતા હતા કે‘તમે અમારા છોકરાવને માર્યા હતા અને વૃદ્ધ સભ્યને ગાળો ભાંડી હતી, હવે તમે કૂકડા બનો’.ઘટનાનો વીડિયો જાહેર થયો હતો તેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ આરોપીની જેમ અદબવાળીને ઊભા દેખાતા હતા તેમજ એક તબક્કે પીએસઆઇ સાખરા સેટી પર ઢળી પડ્યા હતા.
બાદમાં ઘટના અંગે ની જાણ થતાંજ ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બંનેને મુક્ત કરાવી બારભાયા પરિવારના સભ્યો ને પોલીસમથકે લઇ જવાયા હતા અને આ ઘટના માં સામેલ મનાતા ભાજપની મહિલા આગેવાન પુનિતા પારેખ સહિત 20 લોકો સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી, બાદમાં તમામનો જામીન પર છુટકારો થયો હતો. જામીન મુક્ત થયા બાદ ભાજપ આગેવાન પુનિતા પારેખ મંગળવારે સવારે પોલીસ ચોકી સામે ધરણાં પર બેસી ગયા હતા જેઓ ની પોલીસે અટકાયત કરી હતી.પીએસઆઇ અને કોન્સ્ટેબલ ને માર મારવાની આ ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી.