નવા વર્ષ 2021 ની દુનિયાભર માં ઉજવણી કરાઈ રહી છે ત્યારે રાજકોટ, હિંગોળગઢ, ખડકાના ગામના 40 યુવક- મહિલાઓએ પૌરાણિક બિલેશ્વર મંદિર પરિસર, ઉપરાંત જસદણ, બોટાદ હાઈવે ઉપર કુલ 4 કિલોમીટર સુધી સાફસફાઈ કરી હતી જેમાં 1 ટ્રેક્ટર ભરાઈને પ્લાસ્ટિકનો કચરો સાફ કરી નવો ચીલો ચીતર્યો હતો બીજું કે આ કચરો સળગાવી ને વાયુ પ્રદૂષણ કરવા ને બદલે એક ખાડો કરીને તેમાં દાટી નિકાલ કરાયો હતો અને નવા વર્ષ 2021ની અનોખી ઉજવણી કરી હતી .
સફાઈ અભિયાન નવરંગ નેચર કલબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 18 વર્ષના યુવકથી લઈને 60 વર્ષના વડીલ પણ જોડાયા હતા. સવારે 9.00 કલાકે સફાઈ શરૂ કરી હતી જે બપોરના 1.00 કલાક સુધી ચાલી હતી, આ સિવાય મંદિરના પરિસરમાં આવેલી નદીની પણ સાફસફાઈ કરી હતી.
નવરંગ નેચર ક્લબના સભ્યો દર મહિને એક ધાર્મિક સ્થળ, જાહેરસ્થળની સાફસફાઈ કરે છે. આ કામગીરી છેલ્લા 5 વર્ષથી કરે છે. મોટા ભાગના ધાર્મિક સ્થળોએ સાફસફાઈ દરમિયાન જોવા મળ્યું છે કે, જે તે સ્થળોએ કચરા પેટી રાખી હોવા છતાં એ ખાલી જોવા મળે છે અને માર્ગો પર કચરો જોવા મળે છે. મંદિર પરિસર અને ખુલ્લી જગ્યામાં સોથી વધુ ડિસ્પોઝિબલ ડિશ કચરામાં નીકળે છે જેનું મુખ્ય કારણ લોકો વનભોજન કર્યા બાદ તેને કચરાપેટીમાં નાખવાને બદલે જ્યાં ત્યાં ફેંકી દેતા જાહેર જગ્યાઓ ઉપર કચરો એકત્ર થઈ રહ્યો છે,ત્યારે આ કચરા નો નિકાલ કરવાનું કામ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
