ભાવનગરના માઢિયા ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર માં આગ લાગતા સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનો ટ્રેક્ટર નીચે દબાઈ જતા નીકળી નહિ શકતા તેઓ ટ્રેકટર સાથે જ આગ માં ભડથું થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. જોકે સદનસીબે એક યુવાન દૂર ફેંકાઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
વિગતો મુજબ ભડભીડ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી મુકી 4 લોકો ટ્રેક્ટર લઈ પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર માઢિયા નજીક પલ્ટી મારી જઈ નજીકના ખાડામાં પડતા ટ્રેક્ટર પર સવાર 4 લોકો પૈકી 3 લોકો ટ્રેક્ટરની નીચે દબાઈ ગયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડ્યા બાદ તેમાં આગ લાગતા ટ્રેક્ટર નીચે દબાયેલા ભરત મકવાણા (ઉ.વ.34), તેજાભાઇ પ્રાગજીભાઈ વાઘેલા (ઉ.વ.40) અને જીગ્નેશ દુદાભાઇ બારૈયા આગમાં ભડથું થઈ ગયા હતા .જ્યારે મહેશ જેન્તીભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો હતો.આ ઘટના ને લઈ આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો માં ચર્ચા જાગી છે.
